સુપ્રીમ કોર્ટે 5 ઓગસ્ટે આ મામલે સુનાવણી પૂર્ણ કરીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અગાઉ પ્રશાંત ભૂષણે પોતાના બે ટ્વીટ્સનો બચાવ કર્યો હતો. ભૂષણે કહ્યું હતું કે, આ ટ્વીટ જજો વિરુદ્ધ તેમના વ્યક્તિગત સ્તર પર આચરણને લઈને હતા. આથી તે ન્યાય તંત્રમાં અવરોધ ઉભો નથી કરતા.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ભૂષણનો પક્ષ રાખનારા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું કે“પ્રશાંતના એ બે ટ્વીટ્સ સંસ્થાની વિરુદ્ધ નહતા. તે જોજોની વિરુદ્ધ તેમની વ્યક્તિગત ક્ષમતા અંતર્ગત અંગત આચરણને લઈને હતા. જે કોર્ટનું અપમાન નથી અને ન્યાય પ્રણાલીમાં અડચણ ઉભી નથી કરતા. ભૂષણે ન્યાયતંત્રના વિકાસમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે અને ઓછામાં ઓછા 50 નિર્ણયોનો શ્રેય તેમને જ જાય છે.
પોતાના 142 પેજના જવાબમાં ભૂષણે પોતાના બે ટ્વીટનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વિચારોની અભિવ્યક્તિ છે. આ ટ્વીટ્સ ભલે અપ્રિય લાગે, પરંતુ કોર્ટનું અપમાન નથી.
કોર્ટે પ્રશાંત ભૂષણના જે બે ટ્વીટ્સને કોર્ટના અનાદરની શ્રેણીમાં રાખ્યા છે. તેમાંથી એકમાં ભૂષણે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડેના બાઈકવાળા ફોટો પર ટિપ્પણી કરી હતી. જ્યારે બીજામાં તેમણે 4 પૂર્વ જસ્ટિસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. આ બે ટ્વીટ્સને સુપ્રીમ કોર્ટે સુઓમોટો તરીકે લીધી હતી. કોર્ટે પ્રશાંત ભૂષણ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ તેમને નોટિસ મોકલી હતી.
પ્રશાંત ભૂષણ કોર્ટ સાથે સંકળાયેલા મુદ્દા સતત ઉઠાવતા રહ્યાં છે. તાજેતરમાં તેમણે કોરોના મહામારી દરમિયાન અન્ય રાજ્યોમાંથી પલાયન કરી રહેલા પ્રવાસી મજૂરોના મામલે સર્વોચ્ચ અદાલતના વલણની આકરી ટીકા કરી હતી. ભૂષણે ભીમા-કોરેગાંવ કેસમાં આરોપી વરવર રાવ અને સુધા ભારદ્વાજ જેવા જેલમાં બંધ નાગરિક અધિકારો માટે સંઘર્ષ કરનારા કાર્યકર્તાઓ સાથે થઈ રહેલા વ્યવહાર વિશે પણ ટિપ્પણીઓ કરી હતી.
અગાઉ પર સર્વોચ્ચ અદાલતે નવેમ્બર, 2009માં પ્રશાંત ભૂષણ દ્વારા આપવામાં આવેલા એક ઈન્ટર્વ્યૂમાં કોર્ટના કેટલાક પૂર્વ અને વર્તમાન જસ્ટિસ પર આરોપ મૂકવા મામલે તેમને અવમાનનાની નોટિસ ફટકારી હતી.
આ કેસ સર્વોચ્ચ અદાલતમાં હજુ સુધી પેન્ડિંગ છે અને કોર્ટની વેબસાઈટ પર પ્રાપ્ત જાણકારી પ્રમાણે, આ કેસમાં અંતિમ સુનાવણી મે, 2012માં હાથ ધરાઈ હતી.
જો કોઈ વ્યક્તિ કોર્ટના અધિકાર ક્ષેત્રને પડકારે અથવા તો તેની પ્રતિષ્ઠાને ખરડાવવાનો પ્રયત્ન કરે કે પછી તેના માન-સમ્માનને નીચું દેખાડવાની કોશિશ કરે કે પછી કોર્ટની કાર્યવાહીમાં દખલઅંદાજી કરે તો તેને ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ કહેવામાં આવે છે.
આ પ્રકારની હરકત પછી લખીને, બોલીને કે પછી પોતાના હાવભાવથી કરવામાં આવે, તો તે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંતર્ગત આવે છે. આવા કેસમાં કોર્ટ સુઓમોટો કરી શકે છે અથવા જ્યારે તેના ધ્યાનમાં આ બાબત આવે તો, આવું કરનાર વ્યક્તિને નોટિસ ફટકારી શકે છે.
જો કોઈ શખ્સ કન્ટેમ્ટ ઓફ કોર્ટમાં આરોપી સાબિત થાય, તો તેને વધુમાં વધુ 6 મહિનાની જેલની સજા કે 2 હજાર રૂપિયાનો દંડ અથવા તો બન્ને થઈ શકે છે