સુરત શહેરના નવા પોલીસ કમિશનર અજય તોમરે ચાર્જ સંભાળતાની સાથે જ એક્શનમાં આવી ગયા છે. અજય તોમરે 3 ઓગસ્ટે સૂરત શહેરના પોલીસ કમિશનર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. 3 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી સુરત પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 2 મોટા કોલ સેન્ટર, 1 ઓનલાઇન જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ જુગારના 2009 આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે.
સુરતના નવા પોલીસ કમિશનર અજય તોમરે કહ્યુ કે, “છેલ્લા 15 દિવસથી અસામાજીક તત્વો અને ગુનેગારો સામે સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. દારૂના ગુનામાં કુલ 1286 કેસમાં 68.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. લિસ્ટેડ બૂટલેગર પંકજ ધનસુખભાઇ રાણા સામે કુલ 3 કેસ અને કલ્પના જીતુભાઇ પટેલ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે જુગારના ગુનામાં કુલ 126 કેસમાં 701 આરોપીઓની 73.64 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.”