વાગરા : સાયખાની સ્યામ ટાયર કંપનીમાં કામદારોનો ફરી હોબાળો
(કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું શોષણ?)
વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ સ્યામ ટ્રેલેબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતાં ભારે હોબાળો મચાવી ન્યાયની માંગણી કરી હતી.
એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર છે તો બીજી તરફ સાયખાની સ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર છે. મહિનામાં 10-15 દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માથે પહાડ તુટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા દસ દિવસ ઉપરાંતથી સ્યામ ટાયર કંપનીમાં શટ ડાઉન લાગુ કરાતા 50થી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો. માત્ર મૌખિક જાણ કરી કોન્ટ્રાક્ટરોને કામદારોને નહિ મોકલવા સૂચન કરાયું હતું. જરૂરિયાત મુજબના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા. પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપની આવવાનું સૂચન કરતા હતા જે પૈકી કંપની અન્ય કામદારોને પરત કરતી હતી. 50થી વધુ કામદારોને રોજેરોજ બોલાવી પરત કરતા હતા જેથી પોતાનું ઇંધણ બાળી દિવસ બગાડી કામદારો કંપની આવતા હતા અને વિલા મોઢે પરત ફરતા હતા, દસ દિવસ કરતા વધુ સમય સુધી સતત આ પ્રકારના વ્યવહારથી કામદારો આજરોજ ધરણાં ઉપર બેસ્યા હતા. 50થી વધુ કામદારોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અનેક બાબતો સપાટી ઉપર આવી હતી, જેમાં મુખ્યત્વે કામદારોનું શોષણ, તેમની સુરક્ષા અને તેમને મળતું દૈનિક વેતન… આખો દિવસ કાળી મજૂરી કરતા કામદારોને માત્ર 460 ની આસપાસનું વેતન ચૂકવાતું હતું, જેમાંથી પીએફ અને માસિક ચાર રજાઓના નાણાં કાપી લેવામાં આવે છે. સેફ્ટી માટે 200-300 રૂપિયાની રેન્જમાં સેફ્ટી શૂ આપી ખાના પૂરતી કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટરોના આંતરિક ઝઘડામાં સ્થાનિક કામદારો માટે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઓછું વેતન રોજગારી નહિ મળતા કામદારોને મહિનાના લોન હફતા, ઘર ભાડું ભરવા સહિત ખાવાના પણ ફાંફા પડતાં હોવાની બૂમો ઉઠી હતી. આ અગાઉ પણ કંપનીમાં ગતવર્ષે કામદારોએ બોનસ અને વેતન મુદ્દે હોબાળો મચાવ્યો હતો. પરંતુ કંપની સત્તાધીશો કોઈપણ પ્રકારનું બોનસ ફાળવતા નથી, સાથે જ પૂરતી રોજગારી નહિ આપતા હોવાના આક્ષેપ છે. આ મુદ્દે સ્થાનિક આગેવાનોની અગુવાઈ હેઠળ સરકારી અધિકારીઓ ને રજૂઆત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા લેબર કમિશનર અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવા માટે સામાજિક આગેવાન ઈમ્તિયાઝ પટેલે બીડું ઉપાડ્યું હતું અને કંપનીની કરતૂતો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કંપની દ્વારા સ્થાનિક મજૂરોનું શોષણ કરવામાં આવે છે અને સ્થાનિકોને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. જેથી અમો કામદારોને લઈને જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી ન્યાયિક કાર્યવાહીની માંગણી કરવામાં આવશે. આ સમગ્ર બાબતે કંપની સંચાલકોનો પક્ષ જાણવામાં આવતા તેઓએ આ બાબતે કોન્ટ્રાક્ટરોને જાણ કરી હોવાનું જણાવ્યું હતું તેમજ કામદારોના રક્ષણ માટે તમામ પ્રકારની સરકારી પ્રક્રિયાઓ નું અમલ કરાતું હોવાનું જણાવ્યું હતું. જો કે, ઘણી વખત કામદારોને ઈજાઓ પહોંચી હોવાની વિગતો સામે આવતા કંપનીમાં સેફ્ટી પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હોવાની શંકાઓ ઉપજી છે. સેફ્ટી ઇન્સ્પેક્ટર, લેબર કમિશનર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તેમજ જિલ્લા વહીવટી તંત્ર આ બાબતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું સમાધાન લાવે તે જરૂરી બન્યું છે.