

અંકલેશ્વરમાં ગતરોજ સાંજના સમયે શરૂ થયેલા વરસાદના કારણે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી આમલાખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થતા તે છલકતા તેના પાણી પીરામણ ગામના ગરનાળામાં ભરાઈ જતા વાહન વ્યવહાર માટે રસ્તો બંધ કરાયો હતો. જેમાં એક એસટી બસ ફસાઈ જતાં રેસ્ક્યૂ કરીને મુસાફરોને બહાર કઢાયા હતાં.અંકલેશ્વર પંથકમાં બુધવારે સાંજના સમયે શરૂ થયેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહનોની લાંબી કતારો પણ લાગી હતી. ગતરોજ સાંજના કોસમડી ગામનો માર્ગ પાણીમાં ડુબાણમાં જતાં એક કાર ચલાક ફસાયો હતો. જેને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં ભારે વરસાદના કારણે આમલાખાડીના પાણી છલકાયા હતા. આ પાણી પીરામણ ગામના ગરનાળામાં ભરાઈ જતાં આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો.જોકે આ ગરનાળાના પાણીમાંથી શીનોયથી અંકલેશ્વર ડેપોમાં જતી બસ ફસાતા અંદર બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતાં. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર પાલિકાના સભ્ય ટીમ સાથે સ્થળ પર દોડી આવી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ટીમે ટ્રેક્ટરની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢ્યા હતાં. જોકે વરસાદી પાણીના કારણે આ માર્ગ બંધ થતાં ઘણા વાહન ચાલકો અટવાયા હતાં.