- મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલાઓનું રક્ષણ નહિ કરી શકતી હોય તો ખુરશીને હકદાર નહિ
- ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીના રાજીનામાંની માંગ સાથે સંદેશખાલીની ઘટનાને વખોડી
ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી.
પશ્ચિમ બંગાળ સંદેશખાલીના TMC નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચાર અને યૌન ઉત્પીદન કેસને લઈ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મમતા બેનર્જીની સરકારના આ નેતાના અમાનુષી અત્યાચાર સામે મહિલાઓ પોલીસ સ્ટેશન અને રસ્તાઓ પર ઉતરી દેખાવો કરી રહી છે.
આવા સમયે ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચાએ આજે શુક્રવારે દેખાવો કરી એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં મમતા બેનર્જીની સરકારમાં જ મહિલાઓ સુરક્ષિત ન હોય ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, મહિલા મોરચા અગ્રણી દક્ષાબેન પટેલ, પ્રફુલ્લાબેન દુધવાલા, ધર્મેશ મિસ્ત્રી, પ્રકાશ પટેલ સહિતે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બહાર પ્લે કાર્ડ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા.
TMC ના નેતા શાહજહાંનું અનાજ કૌભાંડ બહાર આવ્યા બાદ ED ની કાર્યવાહી છતાં મમતા બેનર્જીની સરકારે તેઓના નેતાને છાવરી ધરપકડ કરી ન હતી.
મહિલાઓ અમાનુષી અત્યાચાર અને આ નેતાના શોષણને લઈ પોલીસ મથક અને રસ્તાઓ પર ઉતરી આવ્યા બાદ આ નેતાની ધરપકડ કરાઈ હતી. તેમ છતાં મમતા દીદી તેના નેતાને છાવરી રહી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો છે.
ભરૂચ જિલ્લા ભાજપે જો એક મહિલા CM મમતા દીદીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તો તેઓ પદને હકદાર નહિ હોવાનો સુર વ્યક્ત કર્યો છે. સાથે જ એક મહિલા મુખ્યમંત્રી તરીકે મહિલાઓને રક્ષણ આપવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોય ખુરશી છોડી દે ની આક્રોશ સાથે ભરૂચ જિલ્લા ભાજપે માંગ કરી સુત્રોચ્ચારો પણ કર્યા હતા.