વાગરાના ઉમેર પાર્ક સ્થિત શાઇન ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. બૉલીવુડ એક્ટર નઈમ મલીકએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. આજરોજ ભારત દેશના ૭૫માં પ્રજાસત્તાક દિનની દરેક જગ્યાએ પરંપરાગત હર્ષોલ્લાશથી ઉજવણી થઇ રહી છે, ભારત દેશ, ગુજરાત સહિત ભરૂચ જિલ્લો પણ દેશભક્તિના રંગે રંગાયો છે. ત્યારે વાગરામાં પણ ઠેર-ઠેર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. વાગરા પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, વિવિધ ખાનગી તેમજ સરકારી શાળાઓ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોની પણ વિવિધ શાળાઓમાં પ્રજાસત્તાક દિવસની રંગે-ચંગે ઉજવણી કરવામાં આવી હતી. વાગરાના ઉમેર પાર્ક સ્થિત શાઇન ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ સ્કૂલના પ્રાંગણમાં સામાજિક આગેવાન મહંમદ અલી પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ થકી સ્વાગત કરાયું હતું. બાળકોએ દેશ ભક્તિના ગીતો રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. તદુપરાંત શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને રચનાત્મક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારનાઓનું સન્માન પત્ર આપી તદુપરાંત આવેલ મહેમાનોનું પણ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ થકી બહુમાન કરાયું હતું.





આમ વાગરાની શાઇન ગ્લોબલ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે ૭૫ માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ઉજવણીમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, સામાજિક આગેવાન મહંમદ અલી પટેલ, બૉલીવુડ એક્ટર નઈમ મલિક, વાગરાના સરપંચ સઈદ મુનશી, આંકોટના સરપંચ અલ્પેશ રાઠોડ, વડીલો, બાળકો, યુવાનો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











નઈમ દિવાન – વાગરા