મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલ, સીતપોણમા યોજાયેલો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા શાળાના બે મદદનીશ શિક્ષકોનો વિદાય સમારંભ.
ધી સીતપોણ સુપ્રિમ વેલ્ફેર ટ્રસ્ટ બોર્ડ સંચાલિત મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલ, સીતપોણમાં તારીખ ૦૯ માર્ચ ૨૦૨૨ ના રોજ શાળાના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તથા શાળામાં ૩૪ વર્ષ ની સેવાના અંતે નિવૃત્ત થયેલા મદદનીશ શિક્ષિકા “પટેલ હમીદાબેન મહંમદ ” તથા ૩૧ વર્ષની સેવાના અંતે નિવૃત્ત થનાર મદદનીશ શિક્ષક “આકુબત બશીર અહમદ” નો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ટ્રસ્ટબોર્ડના પ્રમુખસાહેબ, સેક્રેટરી સાહેબ, ટ્રસ્ટબોર્ડનાસભ્યો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,ગામના સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચશ્રીઓ, તથા વિદેશથી પધારેલ મહેમાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સમારંભમાં શાળામાં બોર્ડની તથા શાળા કક્ષાની પરીક્ષાઓમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીઓને શાળા તરફથી ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
નિવૃત્ત થતા બંને શિક્ષકોનુ શાળા તથા મંડળ તરફથી શાલ ઓઢાડી તથા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોરોનાકાળ દરમિયાન અવસાન પામેલા શાળાના પ્રમુખશ્રી કે જેમણે શાળાની શરૂઆત થી તેમના મૃત્યુપર્યંત નિરંતર ૫૩ વર્ષ શાળા નુ પ્રમુખપદ સંભાળી શાળાને અનેક સિદ્ધિઓ અપાવવામાં અનોખું યોગદાન આપ્યુ એવા “મર્હુમ અબ્દુલ્લાહ પટેલ સાહેબ”નુ તથા ઈ. સ.૨૦૦૧ થી મૃત્યુપર્યંત એક ઉમદા સેવક તરીકે શાળાની કામગીરી કરનાર “મર્હુમ પટેલ ઇમ્તિયાઝ અહમદ “નુ પણ મરણોત્તર સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
સમારંભમાં પધારેલ તમામ મહાનુભાવો તથા શાળાના આચાર્યા બહેન અને સમગ્ર સ્ટાફે બોર્ડના વિદ્યાર્થીઓને તેઓ પરીક્ષા તથા સમગ્ર જીવનમાં સફળતા મેળવે તે માટે શુભેચ્છાઓ આપી હતી