રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બી.ટી. ગોહિલ દ્વારા સંગઠિત ટોળકી રચી ગુનાઓને અંજામ આપતા દાહોદના ગરબાડાના અંબાલી ગામના ભરત ભાદરસિંગ પલાસ, આમલી ગામના લાલો ઉર્ફે લાલ ઉર્ફે સુભાષ ખુમસિંગ પલાસ, છપર ઉર્ફે છપરિયો હરુભાઈ પલાસ, બીલીયા ગામના રામસિંગ ઉર્ફે રાયસંગ મડિયા ઉર્ફે મળિયાભાઈ મોહનીયા, છરછોડાના રાજુ સવસિંગ બારીયા, આમલીનો કાજુ માવસિંગ પલાસ જેસાવાડાના શૈલેશ ઉર્ફે શૈલો રતનસિંગ ઉર્ફે રત્ના કટારા આમલીનો રાકેશે રાળિયાભાઈ પલાસ, ઉતાઈ ગામનો શૈલેશ જવસિંગભાઈ ડામોર અને છરછોડાના સુભાસ નવરીયાભાઈ ભાભોર વિરુદ્ધ ગુજરાત કંટ્રોલમ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ 2015ની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ ટોળકીએ 2014થી 2023 સુધીમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 57 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપ્યા છે. જેમાં ધાડ, લૂંટ, ચોરી, હત્યાની કોશિશ, ગેરકાયદે હથિયારો રાખવા, ફાયરિંગ કરવા, ધમકી આપવી, મકાન સળગાવી નાખવા, સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે, સતત આવા ગુનાઓ આચરતા હોવાથી પ્રજા ભયભીત રહેતી હોવાથી તમામ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ આ ટોળકીના સભ્યો ફરીથી સંગઠિત બની ગુનાઓ આચરતા હતા. આ સ્થિતિમાં ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક જેવા આકરા કાયદા હેઠળ આ ટોળકીને નાથવાના પ્રયાસ શરૂ કર્યા છે. આ ટોળકી વિરૂદ્ધ અરવલ્લી, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, સુરત, સુરત ગ્રામ્ય, બોટાદ, વડોદરા, મહેસાણા, વલસાડ, ગાંધીનગર, ખેડા, રાજકોટ શહેર અને જિલ્લો, હિંમતનગર, જામનગર સહિતનાં શહેરો અને જિલ્લામાં ગુના નોંધાયેલા છે. છેલ્લા ઘણા સમયથી આ ટોળકી વિરૂદ્ધ રાજ્યભરમાં નોંધાયેલા ગુનાઓની માહિતી એકત્રિત કરી ક્રાઈમ બ્રાંચે આખરે ગઈકાલે મોડીરાત્રે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ એસીપી ભરત બસીયાને સોંપવામાં આવી છે. ટોળકીના 7 સભ્યો હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. બાકીના 3 સભ્યોની ક્રાઈમ બ્રાંચે શોધખોળ શરૂ કરી છે.
10 વર્ષથી ટોળકી રચી લૂંટ, ચોરી, ધાડને અંજામ આપતી દાહોદની આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગ સામે રાજકોટમાં ગુનો નોંધાયો
Views: 56
Read Time:3 Minute, 0 Second