વાગરા તાલુકાના ભેંસલી નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના લેબર કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતાં આપઘાત કર્યો હોવાની ખબરથી ચકચાર મચી ગઇ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવતા ભેન્સલી ગામ નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝનો લેબર કોન્ટ્રાક્ટ ચાલતો હતો અને તેના પ્રોપરાઇટર ગણેશ સિંહનાં કંપની પાસેથી નાણાં બાકી પડતાં હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે કંપની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. પોલીસ તેમજ વહીવટી તંત્રને ઘટના અંગે પણ જાણ કરી હોવાની પ્રાથમિક માહિતી સ્થાનિકો પાસેથી મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, શુભ લક્ષ્મી નામથી ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરી લઈ રિલાયન્સ પોલિસ્ટર નામથી કાર્યરત કરવામાં આવી છે. રિલાયન્સ જેવા મોટા ગ્રુપની કંપનીમાં નાણાં બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી ગયો છે. જાણવા મળ્યા મુજબ, કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં કેટલાક કામદારોના પગાર પણ અટવાયા હોવાની સુત્રિય માહિતી સાંપડી રહી છે. પોલીસ કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો છતી થાય તેમ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.