તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતોના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરોનું જોડાણ
ઉમલ્લા રાજપારડીથી રેલી સ્વરુપે કાર્યકરો ઉમટ્યા
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપા માં જોડાયા છે.
ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ રીતેશ વસાવા અને ઉપ પ્રમુખ પ્રકાશ દેસાઇ સહિત ૩૫ જેટલી ગ્રામ પંચાયતોના વિવિધ હોદ્દેદારો કાર્યકરોના ભાજપા સાથેના જોડાણથી તાલુકામાં નવા રાજકીય સમીકરણો રચાશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.ઝઘડીયા એપીએમસી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ભરુચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,ભરુચના સાંસદ મનસુખભાઇ વસાવા,રાજયસભાના માજી સભ્ય ભારતસિંહ પરમાર,ઝઘડીયા ભાજપા પ્રમુખ ધરમેન્દ્રસિંહ માટીએડા તેમજ જિલ્લા તાલુકાના ઉપસ્થિત હોદ્દેદારોએ પાર્ટીમાં નવા જોડાનાર બીટીપી કાર્યકરોને આવકાર્યા હતા.મનસુખભાઇ વસાવા તેમજ ભારતસિંહ પરમારે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે પોતાનું યોગદાન આપવા ભાજપામાં જોડાયેલા કાર્યકરોને વિશ્વાસ અપાવ્યો હતો કે પાર્ટીનું હંમેશ માટે તેમને પીઠબળ રહેશે.આ કાર્યકરો ભાજપા માં જોડાવાથી આગામી ચુંટણીઓમાં ઝઘડીયા નેત્રંગ વાલિયાની તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયતમાં હવે ભાજપા વિજયી થઇને સુકાન સંભાળશે એવો વિશ્વાસ અને લાગણી વ્યક્ત કરી હતી.સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યુ કે ભાજપા કોઇપણ વિરોધી પક્ષનો વિરોધી નથી,પરંતુ કેન્દ્રમાં અને ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં આજે ભાજપાની સરકાર છે ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ પક્ષનું સુકાન હોયતો વિકાસના કામો માટે તેમનો સાથ ખુબ મહત્વનો બની રહે.ત્યારે પાર્ટીમાં ખુબ મોટી સંખ્યામાં આજે કાર્યકરો જોડાયા છે તે બાબતે આત્મીય લાગણી ઉચ્ચારીને તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ભાજપા માં જોડાતા નવા સભ્યોને ખેશ પહેરાવીને પાર્ટીમાં આવકાર આપવામાં આવ્યો.ઉપસ્થિત નેતાઓ તેમજ ભાજપા હોદ્દેદારોએ પાર્ટીમાં જોડાયેલા નવા કાર્યકરોને આવકારીને તેમના દ્વારા પક્ષમાં મુકાયેલા વિશ્વાસ બદલ આભાર માન્યો હતો.અને તેમના આગમનથી ભરૂચ જિલ્લાની આ આદિવાસી પટ્ટીના સર્વાંગી વિકાસ માટે પાર્ટીને નવુ જોમ મળ્યુ છે એવી લાગણી વ્યક્ત કરી હતી.