કોટન કિંગ ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં છેલ્લા દશેક દિવસથી હવામાંથી રાસાયણિક હુમલાના કારણે કપાસ સહિત અન્ય પાકોમાં વિકૃતિ જોવા મળી રહી છે. કપાસ, તુવેર, વાલ સહિત શાકભાજીના હજારો હેકટરમાં વાવેતર વચ્ચે 2 મહિનાથી વૃદ્ધિ અટકી જતા ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી અને મહેનત સાથે ચોમાસામાં પાક નિષફળ જવાની ભીતિ વચ્ચે આપઘાત કરવાનો વારો આવ્યો છે.જિલ્લાના ચાર તાલુકામાં કપાસ સહિતના પાકોની રસાયણિક હુમલાના કારણે દુર્દશાને લઈ સોમવારે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ છોડવાઓ લઈ ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યો હતો. જિલ્લા સમહર્તાને ખેડૂતોએ આવેદન આપી પાકોમાં રસાયણના કારણે ઊભા થયેલા સંકટ માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરાવી ખેડૂતોને વળતર ચુકવવાની માંગણી કરી હતી. સાથે જ જવાબદારો સામે કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાઈ તે માટે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરીયા, આગેવાન હસુ પટેલ, સુલેમાન પટેલ, નિપુલ પટેલ સહિતે ઉગ્ર રજુઆત કરી હતી.બે વર્ષથી કોરોના કાળના કારણે પેહલે થી જ ખેડૂતોની હાલત કફોડી બની છે, હવે રસાયણ પ્રદુષણના કારણે ચોમાસામાં પાકોમાં વિકૃતિ અને વિકાસ રૂંધાતા સિઝન ફેઈલ જવાનો વારો આવ્યો છે. જેને લઈ ખેડૂતો દેવાના ડુંગરમાં ધકેલાઈ પાયમાલ બનવાની દહેશત વ્યક્ત કરી રહ્યાં છે.ચાર તાલુકામાં ખેતી ઉપર આવી ચધેલી અદ્રશ્ય આફતની તંત્ર તપાસ કરાવી થયેલી નુક્શાનીનું વળતર નહિ આપે તો ખેડૂતોને આપઘાત કરવાની પણ નોબત આવશે તેવો ભય આ તબક્કે જિલ્લા ખેડૂત સમાજે આવેદન આપી રજૂ કર્યો છે ત્યારે તંત્રની તપાસમાં પાકો ઉપર ઉભો થયેલો ખતરો ઉદ્યોગોના પ્રદુષણ કે અન્ય કોઈ કારણને લઈને છે તે પરીક્ષણ બાદ જ બહાર આવી શકે તેમ છે.
વાગરાના ખેડૂતો કપાસના છોડ સાથે કલેકટરના દ્વારે પહોંચ્યા, કહ્યું નુકશાનીનું વળતર ચૂકવો’..
Views: 65
Read Time:2 Minute, 39 Second