રિપોર્ટર: સાહિલ પટેલ
નેશનલ હાઇવે નં.૪૮ પર નબીપુર બ્રીજ નજીક આવેલ ખાલસા પંજાબી હોટલના કંપાઉન્ડમાં પીકઅપ વ્હીકલમાં ભરેલ તથા ત્રણ જુના કન્ડમ ટૂંકોની ઇંધણ ભરવાની ટાંકીમાંથી ૧૨૨૦ લીટર શંકાસ્પદ ડીઝલના જથ્થા સહીત રૂપિયા ૨,૧૨,૩૪૦નો મુદ્દામાલ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો હતો. ભરૂચ લોકલ કાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી હાઇવે ઉપરની હોટલો તથા શંકાસ્પદ વાહનો ચેક કરી ગુનાહીત મળી આવ્યેથી કાયદેસર કાર્યવાહી કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. એલસીબીના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એમ.વાળાની ટીમ સરકારી વાહનમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે નેશનલ હાઇવે નં.૪૮ પર નબીપુર બ્રીજ દક્ષિણ છેડે સર્વિસ રોડની બાજુમાં આવેલ ખાલસા પંજાબી હોટલ ખાતે શંકાસ્પદ ડીઝલ જથ્થો સંગ્રહ કરેલ છે. જે મુજબની ચોક્કસ હકીકત આધારે ખાલસા પંજાબી હોટલ ખાતે દરોડો પાડી હોટલ સંચાલકને ઝડપી પાડી તેને સાથે રાખી તપાસ હાથ ધરતા હોટલના કંપાઉન્ડમાં એક સફેદ કલરની ટાટા પીકઅપના પાછળના ફાડકામાં લોખંડની બનાવેલ ટેન્કમાં તથા હોટલ કંપાઉન્ડમાં જ જુની તથા કન્ડમ ત્રણ ટ્રકોની ઈંધણ ટાંકીમાંથી કુલ ૧૨૨૦ લીટર ડીઝલનો જથ્થો તથા ઇંધણ ટ્રાન્સફર કરવાના કારબા, લોખંડની ગરણી વિગેરે સાધનો મળી આવ્યા હતા અને હોટલ સંચાલક રણજીતસિંગ સતનામસિંગ ગીલ ઉર્ફે રાણા ઉંમર (૫૫) (હાલ રહેવાસી. નબીપુર નવી નગરી તા.જી.ભરૂચ) (મુળ રહેવાસી. સરલીકહ્યા થાના-વેરોવાલ ડીસ્ટ્રીક્ટ: તરનતારન પંજાબ) ના પાસે ડીઝલના જથ્થા બાબતે બીલ અથવા આધાર પુરાવા માંગતા તેના પાસે નહી હોવાનું જણાવી કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નહી. જેથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો તથા વ્હીકલ તેમજ ઇંધણ ટ્રાન્સફર કરવાના સાધનો સહીત કુલ કિંમત રૂપિયા ૨,૧૨,૩૪૦નો મુદ્દામાલ ઝડપી પાડી તેના વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી એલસીબી દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.