– ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે બે દિવસીય સેન્સ લેવાની હાથ ધરેલી કામગીરી
– આગામી અઢી વર્ષની ટર્મ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતનું ચયન થશે
– નિરક્ષકો શબ્દશરણ તડવી , લાલસિંહ વડોદરિયા, અસ્મિતા શિરોયા દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની વરણી માટે ભાજપ પ્રદેશ નિરીક્ષકો દ્વારા શુક્રવારથી બે દિવસીય સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ભરૂચ જિલ્લા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણીને અનુલક્ષી રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં 14મી તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે ત્યારે આજ રોજથી દાવેદારોના સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરાય છે.ભરૂચ જિલ્લા પંચાયત સહિત ભરૂચ, અંક્લેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકા તેમજ ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, વાગરા, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ અને જંબુસર તાલુકા પંચાયતમાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થવા આવી છે.નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે તજવીજ હાથ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભાજપનું એકહથ્થુ શાસન છે. 2021માં થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કોંગ્રેસનો રકાસ વાળી ઇતિહાસ સર્જ્યો હતો.ભરૂચ અને અંકલેશ્વર સહિતની નગર પાલિકાઓમાં પ્રમુખ માટે સ્ત્રી ( સામાન્ય ) બેઠક છે. જ્યારે જિલ્લા પંચાયતમાં પ્રમુખની બેઠક સામાન્ય આવી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાનું સુકાન સંભાળવા માટે મુરતિયાઓ દોડધામ કરી રહયાં છે.પ્રમુખ, ઉપપ્રમુખ સાથે મલાઇદાર પદ મેળવવા માટે દાવેદારો અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહયાં છે. બીજી તરફ આજે શુક્રવારથી ભાજપના ત્રણ નીરિક્ષકોએ ભરૂચમાં ધામા નાખ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા ખાતે સેન્સ લેવાનું શરૂ કરવમાં આવ્યું છે. નીરિક્ષકો તરીકે શબ્દશરણ તડવી, લાલસિંહ વડોદરિયા અને અસ્મિતાબેન શિરોયા હાજર રહ્યા હતા.ભરૂચ જિલ્લા પંચાયત ઉપરાંત નગરપાલિકા અને તાલુકા પંચાયતો માટે પણ દાવેદારો અંગે તેઓ મંતવ્યો જાણી મોવડી મંડળમાં અહેવાલ આપનાર છે આજ રોજ સેન્સ પ્રક્રિયાની શરૂઆત જંબુસર, આમોદ, ઝઘડિયા અને નેત્રંગ તાલુકાની કરવામાં આવી છે. જ્યારે ભરૂચ અને અંકલેશ્વરની શહેર અને તાલુકાની પ્રક્રિયા શનિવારે હાથ ધરવામાં આવનાર છે.સેન્સ પ્રક્રિયા દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ સહિતના જિલ્લાના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા દરમિયાન ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયત ,9 તાલુકા પંચાયત, 4 પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા, દંડક સહિતના હોદ્દા માટે દાવેદારી કરનાર અપેક્ષિતોને સાંભળી રિપોર્ટ મોવડી મંડળમાં મોકલવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.