
ભરૂચના દહેજ બંદરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ તમામ પ્રકારની પરિવહન સુવિધા સજ્જ કરાઈ રહ્યું છે. બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ ભરૂચ-દહેજ 8 લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ-વે માટે ₹800 કરોડનું ટેન્ડર GSRDC દ્વારા જારી કરાયું છે.
હાલ દહેજ બંદર અને ઔદ્યોગિક વસાહત 6 ખાનગી જેટીથી સજ્જ છે. જેમાં આવનાર સમયમાં કરોડોના ખર્ચે વધુ 2 સરકારી પોર્ટ આકાર પામનાર છે. રેલવે મારફતે તે ભરૂચ-દહેજ બ્રોડગેજ લાઈનથી દેશના રેલ નેટવર્ક સાથે જોડાયેલ છે. જેમાં તે દહેગામથી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાથે વર્ષ 2027 સુધીમાં સંકળાઈ જશે. વધૂમાં વર્ષ 2024માં જ દયાદરાથી દિલ્હી-મુંબઈ ડેડીકેટેડ વેસ્ટર્ન ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેન પ્રોજેકટ સાથે કનેક્ટિવિટી મળશે.
હાઇવેમાં સ્ટેટ હાઇવે બાદ મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે જોડે આ વર્ષના અંત સુધીમાં જોડાણ મળી જશે. NH 48 જોડે પણ દહેજનું જોડાણ અપગ્રેડ કરાઈ રહ્યું છે. તો ₹800 કરોડના ખર્ચે 8 લેન એક્સેસ કંટ્રોલ એકપ્રેસ વેનું નિર્માણ કાર્ય શરૂ કરવા ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા 48 કિમી માટે ટેન્ડર જારી કરાયું છે.
હાઈબ્રીડ એન્યુઇટી મોડ પર પ્રોજેકટ માટે 25 ઓક્ટોબર સુધીમાં બીડ મંગાવાઈ છે. ભરૂચ-દહેજ 8 લેન એક્સપ્રેસ વે બનતા SH-6 દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને NH-48 જોડે સીધું જોડાણ થઈ જશે. સાથે જ દહેજમાં 25 KM નો કોસ્ટલ રોડ સાથે ઇમરજન્સી એસ્કેપ રોડ પણ નિર્માણ કરવાનું આયોજન છે.