
દેશની સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અમલમાં મુકેલી અગ્નિપથ યોજનાનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. મંગળવારે ભરૂચમાં રેલ્વે સ્ટેશન પાસે યુવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. દેખાવો દરમિયાન કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. દેખાવો કરી રહેલાં કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડી દીધાં હતાં.દેશમાં વધી રહેલી મોંઘવારી તથા સેનામાં ભરતી માટે અમલમાં મુકવામાં આવેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયાં છે. દેશના દરેક યુવાનનું સ્વપ્ન હોય સેનામાં ભરતી થઇ દેશસેવાનું હોય છે પણ કેન્દ્ર સરકાર તાજેતરમાં અગ્નિપથ યોજના લાવી છે. જેમાં યુવાનો માત્ર ચાર વર્ષ સુધી જ સેનામાં નોકરી કરી શકશે.આ યોજના યુવાઓ વિરોધી હોવાનું જણાવી કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ભરૂચમાં કોંગ્રેસના યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરોએ મંગળવારે રેલ્વે સ્ટેશન પાસે દેખાવો કર્યા હતાં. પોલીસે કાર્યકરોને વિખેરવાનો પ્રયાસ કરતાં ઘર્ષણ થયું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોને ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડી દીધાં હતાં. કોંગી કાર્યકરોએ ભારે નારેબાજી કરી પોલીસની કાર્યવાહીને વખોડી નાંખી હતી.