
ભરૂચ શહેરના મકેરી ફળિયામાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી હતી. જે સમગ્ર ઘટના બાજુમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે. દીવાલ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલા વાહનોમાં નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ભરૂચ શહેરમાં ચોમાસું શરુ થતા જર્જરિત મકાનો તૂટી પડવાની ઘટના સામે આવી રહી છે. ભરૂચ અત્યાર સુધી ત્રણથી ચાર જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજરોજ વહેલી સવારે ભરૂચ શહેરના મકેરી ફળિયામાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી જેને પગલે વહેલી સવારે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી જો કે સવારમાં ઘટના બની હોવાથી કોઈને પણ જાનહાની થવા પામી ન હતી પરંતુ દીવાલ ધરાશાયી થવાને કારણે નજીકમાં રહેલ એકટીવા સહીત બે વાહનોને નુકશાન થવા પામ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિકોએ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.આ ઘટનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા છે જેમાં સમગ્ર ઘટના કેદ થઇ છે.