અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર એક કાર ચાલકે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના કાફલાને અટકાવવાનો પ્રયાસ કરતા શહેર પોલીસે ફરિયાદ નોંધી તેને ઝડપી પાડ્યો હતો.
ગઈકાલે મંગળવારે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરતથી વાયા ઓલપાડ, હાંસોટ અને અંકલેશ્વર થઈ ગાંધીનગર ખાતે જઈ રહ્યા હતા. તે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કડકિયા કોલેજ પાસેથી ભરૂચના ન્યાય મંદિર સુધી અંકલેશ્વર ટ્રાફિક સ્કોર્ડના એસ.એસ.આઈ અને ચાલક સહિત ચાર પોલીસ જવાનો મંત્રીની ગાડીનું પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચી નાકાથી એક ફોરવ્હિલર ગાડી નંબર-જી.જે.16.સી.બી.4009નો ચાલક મંત્રીના કાફલા આગળ પોતાનું વાહન ચલાવી રહ્યો હતો. જેને સરકારી કાફલાને સાઈડ આપવા સાઈરન અને હોર્ન વગાડી ઈશારો કરાયો હતો. પરંતુ તેને પોતાનું વાહન નહિ હટાવી સેલાડવાડ મસ્જિદની સામે પોતાની ગાડી માર્ગની વચ્ચે થોભાવી દીધી હતી અને મંત્રીના કાફલાને અટકાવી દીધો હતો.
પોલીસ જવાનો ચાલકને સમજાવવા જતા તેણે ગેરવર્તન કરી કેમ સાઇરન મારો છો, કયો મંત્રી છે તેમ કહી માથાકૂટ કરી ગાડી નહિ હટે તેમ કહ્યું હતું અને ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે કાર ચાલક અને સાંઈ સુમન સોસાયટીમાં રહેતા હેતલકુમાર ભરત મોદીને ઝડપી પાડ્યો હતો અને તેના વિરૂદ્ધ નશાની હાલતમાં વાહન હંકારવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.