ઘટરાત્રે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલ અકસ્માત જોવા ઊભેલા ટોળાં ઉપર 160ની સ્પીડે તથ્ય પટેલે જગુઆર ફેરવી દેતા ભયાનક અકસ્માત, છાત્રો પણ ભોગ બન્યા, હોસ્પિટલમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યોઈસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતને જોવા એકત્ર થયેલા ટોળા ઉપર મધરાત્રે પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર ફરી વળતા 19 લોકો હડફેટે ચડી ગયા હતા. જે પૈકી એક પોલીસ કર્મી, એક હોમગાર્ડ જવાન સહિત નવ લોકો કાળનો કોળિયો બની ગયા હતા.
રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલક નબીરાને માર મારતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
આ ભયાનક ઘટનાની વિગત મુજબ શહેરના ઇસ્કોન બ્રિજ પર એક હચમચાવી દે તેવો અકસ્માત સર્જાયો છે. આ ગોઝારા અકસ્માતમાં બે પોલીસ કર્મી સહિત નવ લોકોના મોત નીપજ્યા છે. ઇસ્કોન બ્રિજ પર એસયુવી કાર (થાર) અને ડમ્પર વચ્ચે પહેલા ટક્કર થઇ હતી. આ અકસ્માતને જોવા માટે ટોળું ભેગુ થયું હતુ. જે બાદ પૂરપાટ સ્પીડે આવતી જેગુઆર કારે અકસ્માત જોતા લોકોને કચડી નાંખ્યા હતા. આ જેગુઆર કાર ચલાવતો નબીરો તથ્ય પટેલ હાલ સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
બુધવારે રાત્રે સવા વાગ્યાની આસપાસ ઇસ્કોન બ્રિજ પર અક્સમાત સર્જાયો હતો. જેમાં થાર એસયુવી અને ડમ્પર વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત જોવા માટે સ્થળ પર લોકોનું ટોળું એકઠું થયું હતું. આ દરમિયાન પૂરપાટ આવતી જેગુઆર કારે બ્રિજ પર હાજર લોકોને કચડી નાંખ્યા હતા. આ અંગે પોલીસે જણાવ્યું છે કે, ઘાયલોમાં કાર ચાલક તથ્ય પટેલનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ પોલીસે ઈસ્કોન મંદિર પાસેના ફ્લાયઓવરને અસ્થાયી ધોરણે બંધ કરી દીધો હતો.
અમદાવાદ ટ્રાફિક પોલીસના એસીપી એસજે મોદીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્યને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેગુઆરના ડ્રાઇવરને તથ્ય પટેલને ખાનગી સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઘાયલ યુવક સિવાય અન્ય એક છોકરો અને એક છોકરી જેગુઆરમાં સવાર હતા. આ બંને વિશે કોઈ માહિતી સામે આવી નથી.
તથ્ય પટેલ નામના નબીરાએ આ ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. આ યુવાન જેગુઆર કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આ યુવાન બિલ્ડર પ્રજ્ઞેશ પટેલનો છોકરો છે. આ અકસ્માતને જોનારા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જે બાદ અકસ્માત સર્જીને ભાગવા જતા તથ્ય પટેલને લોકોએ ત્યાં જ મળીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ તથ્યને પોલીસ સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આની સારવાર બાદ તેની ધરપકડ થઇ શકે છે તેવી માહિતી સામે આવી છે.
તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ સામૂહિક દુષ્કર્મનો આરોપી
મળતી માહિતી પ્રમાણે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામુહિક દુષ્કર્મનો આરોપી છે. રાજકોટની યુવતીને કોર્પોરેટ કંપનીમાં નોકરી આપવાનું કહીને અમદાવાદ શહેરના પાંચ યુવકે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અમદાવાદ ખાતે નોંધાઈ હતી. યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુર લઈ ગયા હતા જ્યાં કોલ્ડ્રિંકમાં દારૂૂ ભેળવી યુવતીને બેભાન કરી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીએ પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતા, જિતેંદ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નિલમ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ નવેમ્બર 2020ના રોજ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેગુઆરની ટક્કરે લોકો 30 થી 50 ફુટ ફંગોળાયા
ગઈકાલે મોડી રાતે એસ.જી. હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર ગોતાના તથ્ય પટેલે પૂરપાટ ઝડપે જેગુઆર કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં કારની ટક્કરે 9 લોકોનાં મોત થયા અને 20થી વધુ લોકો ઘાય થયા છે. ફુલ સ્પીડમાં આવતી કારની ટક્કરે લોકો 30થી 50 ફૂટ ઊંચે ફંગોળાઈને નીચે પટકાયા હતાં. ટ્રાફિક પોલીસના DCP નીતા દેસાઈએ જણાવ્યું કે, તથ્ય પટેલ હાલ ડોક્ટરના સુપરવિઝનમાં છે. ડોક્ટરનું કહેવું છે કે, તેના બે-ત્રણ ટેસ્ટ કરાવીને 24 કલાક બાદ કહી શકાય કે, તથ્ય પટેલની હાલત કેવી છે અને તેની ધરપકડ કરી શકાય એવી સ્થિતિમાં છે કે નહીં તે જણાવીશું. અત્યારે અમારા ગાર્ડની દેખરેખ હેઠળ છે.મુખ્યમંત્રીએ દૂ:ખ વ્યક્ત કરી સહાય જાહેર કરી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. મૃતકના પરિવારજનોને રૂા. 4-4 લાખની અને ઈજાગ્રસ્તોને રૂા. 50,000ની સહાય જાહેરાત પણ કરી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી હોસ્પિટલે દોડી ગયા
અમદાવાદની ભયાનક અકસ્માતની ઘટનાના પગલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી આજના તમામ કાર્યક્રમો રદ કરી અમદાવાદ પહોંચ્યા છે. તેઓ ઘવાયેલા લોકોની ખબર- અંતર પુછવા ઉપરાંત આ મામલે પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજનાર હોવાનું જાણવા મળે છે.ડોકટર સાહેબ મારા દીકરામાં હજું જીવ હશે, વેન્ટિલેટર ઉપર રાખો મૃતક યુવાનના પિતાનો હૈયુ હચમચાવતો વલોપાત ડોક્ટર સાહેબ, મારા દીકરામાં હજી જીવ હશે, થોડું પમ્પિંગ અને વેન્ટિલેટર ઉપર રાખોને.થ આ શબ્દો છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવકના પિતાના. લગભગ 40 મિનિટ સુધી એક પિતાની આજીજી ઉપર માનવતા દાખવી હોસ્પિટલના ડોક્ટરો અને પોલીસે મૃતક યુવકને વેન્ટિલેટર ઉપર રાખ્યો હતો. પિતાને પમ્પિંગ કરવા અને વેન્ટિલેટર પર રાખવા આજીજી કરતા દ્રશ્યો જોઇ સૌ કોઈની આંખો છલકાઇ ગઈ હતી. આ દૃશ્યો હૃદય કંપાવનારા હતા. કારણ કે, એક પિતા પોતાના વાહલસોયાના ગુમાવ્યો હતો અને હૈયાફાટ રૂૂદન કરી રહ્યા હતા. સુરેન્દ્રનગર અને બોટાદના રહેવાસી મૃતક યુવકોના પરિવારજનો પણ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. મૃતકના સ્વજનોએ હોસ્પિટલમાં આક્રંદ અને હૈયાફાટ રુદન કરતા ગમગીની છવાઈ ગઈ હતી. સોલા સિવિલ હોસ્પિટલમાં રાત્રે બે વાગ્યાથી ખૂબ જ ગંભીર માહોલ વહેલી સવાર સુધી જોવા મળ્યો હતો.
બોટાદના ત્રણ આશાસ્પદ યુવકોને મદદ કરવા જતા મોત મળ્યું
અમદાવાદના અકસ્માતમાં બોટાદ પંથકના ત્રણ યુવાનો રોનક રાજુભાઇ વિહલપરા (ઉ.23), કુણાલ નટુભાઇ કોડીયા (ઉ.23), અક્ષર અનિલભાઇ ચાવડા (ઉ.21) અમદાવાદ ખાતે અભ્યાસ કરતા હતા. મોડી રાત્રે ત્રણેય પટેલ યુવાનો વાંચતા હતા ત્યારે અગાઉ થયેલ થાર અને ટ્રક વચ્ચેના અકસ્માતનો અવાજ સાંભળીને મદદ કરવા ગયા હતા. ત્યારે પુરપાટ વેગે આવતી જગુઆર કારે હડફેટે લેતા ત્રણેય આશાસ્પદ યુવાનોના મોત થયા હતા.
મૃતકોના નામ
નિરવ રામાનુજ (ઉંમર- 22 -ચાંદલોડિયા)
અમન કચ્છી (ઉંમર 25 – સુરેન્દ્રનગર)
કૃણાલ કોડિયા (ઉંમર 23 વર્ષ – બોટાદ)
રોનક રાજેશભાઇ વિહલપરા (ઉંમર 23 – બોટાદ)
અરમાન અનિલ વઢવાનિયાં – (ઉંમર 21 સુરેન્દ્રનગર)
અક્ષર ચાવડા – (ઉંમર 21 બોટાદ)
ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર (ટ્રાફિક એસજી-2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી)
નિલેશ ખટિક – ઉંમર 38 વર્ષીય, (જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ)