- ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં, ઝઘડિયા તાલુકાના 30 કોંગ્રેસીઓએ કેસરિયા કર્યા
- આગામી સરકારી કાર્યકમોની ઉજવણી અંગે બેઠકમાં રૂપરેખા ઘડી કઢાઈ
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી વિવિધ સરકારી કાર્યકમોની ઉજવણી અંગે અગત્યની બેઠક કાર્યાલય ખાતે મળી હતી. બેઠકમાં ઝઘડિયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકારાયા હતા.
ભરૂચ કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી.
આગામી સરકારી કાર્યકમોના આયોજનો અને ઉજવણી અંગે મળેલી બેઠકમાં જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ ભારત, જ્યેન્દ્ર વસાવા અને વિરેન્દ્રસિંહ વાંસડીયા તેમની ટીમ સાથે જોડાતા ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો.
બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના, મન કી બાત, શ્રદ્ધેય ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈના જન્મદિને સુશાસન દિનની ઉજવણી, વીર બાલ દિન, નમો એપ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યકમોના આયોજન અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારોની હાજરીમાં ઉજવણીની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી.