અંકલેશ્વરમાં રહેતી પરિણીતા પુત્રની ઉંમરના યુવક સાથે પ્રેમમાં પડી હતી, યુવકના તો દોઢ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં
ભરૂચના અંકલેશ્વરમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા પ્રેમીયુગલની ઝાડેશ્વર કેબલ સ્ટેઈડ બ્રિજ પાસેથી લાશ મળી આવી છે. પોતાના પુત્રની ઉંમરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ પરિણીતા અને યુવકને સમાજ એક થવા નહીં દે તેમ લાગતા બંનેએ સજોડે નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. મૃતક યુવકના તો દોઢ મહિના પહેલા જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે.
મૂળ લુણાવાડાના ડોકેલાવ ગામનો 24 વર્ષીય ગૌરાંગ પટેલ ત્રણ વર્ષ પહેલા જ અંકલેશ્વરની મેઘમણી કંપનીમાં લેબ કેમિસ્ટ તરીકે નોકરીમાં લાગ્યો હતો. જ્યારે સુમન પાટીલ પણ આ જ કંપનીમાં સ્વીપર તરીકે કામ કરતી હતી. એક જ કંપનીમાં નોકરી દરમિયાન બંને પ્રેમસંબંધમાં પડ્યા હતા.
મૃતક ગૌરાંગના તો દોઢ મહિના પહેલા જ લગ્ન થયા હતા. જ્યારે સુમનના 20 વર્ષ પહેલા લગ્ન થયા હતા. બંને પરણિત હોવાના કારણે સમાજ સ્વીકારશે નહીં તે ડરના કારણે બંને ત્રણ દિવસ પહેલા જ રાત્રે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે ઝાડેશ્વર કેબલ સ્ટેઈડ બ્રિજ નીચે નર્મદા નદીમાંથી ગૌરાંગ અને સુમનના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપા હાથ ધરી છે.
આ બનાવમાં સૌથી કરૂણ બાબત એ છે કે, મૃતક ગૌરાંગના દોઢ મહિના પહેલા જ લગ્ન થયા હતા. ગૌરાંગે પ્રેમિકા સાથે આત્મહત્યા કરી લેતા ગૌરાંગની પત્નીએ લગ્નના દોઢ મહિનામાં જ પતિ ગુમાવવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ મૃતક સુમનના પરિવારમાં પણ બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે.