અંકલેશ્વર તાલુકાના અમરાતપુરા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે બુલડોઝર ફેરવી ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો. 19 હજારથી વધુ લીટર વોશ મળી કુલ 36 હજારથી વધુના મુદ્દામાલ સાથે પાંચ બુટલેગરોને પણ ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના અમરાતપુરા ગામમાંથી દેશી દારૂ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સપ્લાય થતો હોવાની માહિતીના આધારે ભરૂચ પોલીસે ટીમો બનાવી હતી. શુક્રવારે રાતે ગામની સીમમાં દરોડા પાડ્યા હતા. ગામમાંથી પસાર થતી નદીના કિનારે મોટી સંખ્યામાં દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. આ સ્થળેથી અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ અને દારૂ કાઢવા માટે પાઇપલાઈન નેટવર્કને ઝડપી પાડવામાં આવ્યું હતું.પોલીસે બુટલેગરો ફરી સક્રિય ન થાય તે માટે ઓપરેશન ડિમોલિશન શરૂ કર્યું હતું અને તમામ ભઠ્ઠીઓ પર જેસીબી દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. તેમજ પોલીસે 19 હજારથી વધુ લીટર વોશ અને સાધનો મળી કુલ 36 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી મહિલા સહીત 5 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જયારે ચાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.