નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયો છે, ત્યારે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અથાક પ્રયાસો અને દિર્ધદ્રષ્ટીને લીધે રાજપીપલા શહેરી વિસ્તાર સહિત નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રજાકીય જનસુખાકારી માટે સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓને મહત્તમ લાભ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર સતત પ્રયત્નશીલ છે.જિલ્લાના અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારમાં આવેલા ડેડિયાપાડા તાલુકા મથકે પારસી ટેકરા પાસે સરકારી તાલુકા પુસ્તકાલયના નવીન બાંધકામ માટે 2 હજાર ચો.મીટરની જગ્યાની સૈદ્ધાંતિક મંજૂરી આપીને હાલ અંદાજે 1 કરોડના ખર્ચે અતિ અદ્યતન નવા “સ્માર્ટ ગ્રીન” લાઇબ્રેરીની વધુ એક ભેટ નર્મદા જિલ્લાવાસીઓને મળી છે.
જિલ્લા કલેક્ટર તરફથી નવીન સ્માર્ટ ગ્રંથાલયના ભવનના બાંધકામ માટે ગુજરાત જમીન મહેસૂલ નિયમોને આધિન સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગરના નામે જમીન ફાળવી તેનો કબજો મદદનીશ ગ્રંથાલય નિયામક, વડોદરાને સુપ્રત કરવાનો હુકમ થતાં ડેડિયાપાડા ખાતે આગામી સમયગાળામાં અદ્યતન પ્રકારની લાઇબ્રેરીની ઉપલબ્ધિ માટેની કાર્યવાહી હાથ ધરાશે.ડેડિયાપાડા તાલુકા કક્ષાએ જ તાલુકા-ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે ઘર આંગણે જ અદ્યતન પ્રકારની સ્માર્ટ લાઇબ્રેરીની સુવિધા મળી રહેવાથી અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારના અભ્યાસુઓ, પ્રબુધ્ધ નાગરિકો, વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી આશિર્વાદરૂપ બની રહેશે. અને સ્પર્ધાત્મક તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી બનાવવાની સાથોસાથ જિલ્લાનું નામ રોશન કરવાની સુવર્ણ તક ઉપલબ્ધ થશે.