સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભરૂચ જિલ્લામાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સાથેના ગઠબંધનનો અંત આણ્યા બાદ છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી મોટો દાવ રમવા જઈ રહી છે. હૈદરાબાદ અને ખાસ કરીને મુસ્લિમોમાં પ્રભુત્વ ધરાવતા અસદુદ્દીન ઓવૈસી સાથે ગઠબંધન કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંયુક્ત રીતે લડવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. છોટુ વસાવાના આ દાવથી કોંગ્રેસની ઊંઘ હરામ થઈ ચૂકી છે. ખાસ કરીને વાગરા કોંગ્રેસમાં તેના પડઘા પડયા છે. વિશ્રામની મુદ્રામાં રહેતાં વાગરા કોંગ્રેસ સમિતિના આગેવાનો એકાએક ઉઠો, જાગો ઓર ધ્યેય પ્રાપ્ત કરોના સૂત્રને આત્મસાત કરવા નીકળી પડ્યા. નિષ્ક્રિય કોંગ્રેસીઓ અચાનક સક્રિય થઈ ગયા. તેમની ઉઠલપુથલનું ઉદાહરણ બંધ બારણે યોજાયેલી આજની બેઠક પૂરું પાડે છે. એકમાત્ર ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખ યાકુબ ગુરજી સિવાયના તમામ તાલુકા સ્તરના હોદ્દેદારો માત્ર નામ પૂરતા છે. યાકુબ ગુરજી દિલ્લી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને આંદોલનનો ભાગ બને છે. અવાર નવાર મીડિયા સમક્ષ તાલુકાના ખેડૂતોના પ્રશ્નોને ઉઠાવે છે, તો શું વાગરા ખાતે કોંગ્રેસનો ઠેકો યાકુબ ગુરજીએ જ લીધો છે.? બીજાઓ ક્યાં સ્વપ્નમાં જીવી રહ્યા છે, એ કે, આપણાં મત પાક્કા જ છે.
જો કોંગ્રેસનું પતનનું કોઈ સૌથી મોટું કારણ હોય તો તે ખુદ કોંગ્રેસીઓ જ છે. આજે તે વધુ એક વાર પુરવાર થયું છે. કેમ વાગરા કોંગ્રેસ સમિતિમાં નિષ્ક્રિય હોદ્દેદારોને સાચવી રાખવામાં આવે છે..? જે ચૂંટણી સિવાય આંખે ચઢતા જ નથી, કેન્દ્રની યોજનાઓ કે કાયદાઓનો વિરોધ કરતા નથી.? કેમ આજે લોકો, એ કહેવા પર મજબૂર છે કે ભાજપ કોંગ્રેસની દેન છે. કારણ એ જ છે કે કોંગ્રેસે નબળા લોકોને હોદ્દાઓ ફાળવી દીધા છે. વાગરામાં પણ પ્રમુખ સહિતના હોદ્દાઓ બીનલાયકાત ધરાવતા આગેવાનોને પકડાવી દેવામાં આવે છે. જેની સીધી અસર ચૂંટણીઓ માં જોવા મળે છે. રાજનીતિનો ર ન જાણતા લોકોને રાજકારણની ખુરશી સોંપી દેવાની ભૂલ કોંગ્રેસને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં જોવા મળશે. હવે તો વધુ કફોડી હાલત કોંગ્રેસની બનશે જ્યારે અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લેમીન મેદાનમાં ઊતરશે અને તેનો સાથ આદિવાસીઓના મસીહા ગણાતા છોટુ વસાવાની પાર્ટી BTP આપશે. ત્યારે કોંગ્રેસને મળતા મુસ્લિમ મતદારોના મત અને આદિવાસીઓના મતોનું વિભાજન થશે. અને કોંગ્રેસ તેની કારમી હાર જોશે. આ એટલા માટે નહિ કે અસદુદ્દીન અને છોટુભાઇ સાથે ચૂંટણી લડશે, પરંતુ એટલા માટે કારણ કે, કોંગ્રેસ પાંચ વર્ષ દરમિયાન ક્યાંય જનતા કે મતદારો વચ્ચે જનસંવાદમાં આવી નથી. ક્યારેય મોદી સરકાર કે સ્થાનિક ભાજપના રાજકારણીઓથી પીડાતા લોકોને સહાનુભૂતિ દાખવી નથી. તો પછી કેમ, કોઈ કોંગ્રેસને વોટ આપે અને કેમ અન્ય વિકલ્પ તરફ ન જાય અને કેમ ભાજપને પણ વોટ ના આપે… એટલે જ આવનારી પરિસ્થિતી કોંગ્રેસ માટે જીયા ભી ક્યાં ઔર મરા ભી ક્યાં ની થશે તેવી મારી કલ્પના છે.