ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શીલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ રહેવાની સગવડ કરી આપવાના બહાને ગ્રાહકોને નોકરીની લાલચ અને વિશ્વાસ આપીને 35 જેટલી વ્યક્તિઓ પાસેથી રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમની છેતરપીંડી કરવામાં આવેલી અને આ ગુનામાં મુખ્ય સુત્રધાર ભાવીન પરમાર તથા તેના પાલક પિતા ગુણવંત કવૈયા છેલ્લા એકાદ વર્ષથી વોન્ટેડ હતા.આ બાબતે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે,ભાવીન પરમાર તથા ગુણવંત કવૈયા રાજકોટ શહેરમાં હોવાની શક્યતા છે.જેથી ટીમે રાજકોટ ખાતે બંને ઇસમોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.ત્યારબાદ આરોપીને રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાંથી ઝડપી લીધા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે