
નેત્રંગ ગામમાં 30 વર્ષથી રેલવેની જગ્યામાં લોકો ઘર અને દુકાનો બનાવી રહેતા હતા. ઘણાખરા લોકોએ તો લાખો રૂપિયા ખર્ચી પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આ બાબતે વર્ષોથી દબાણકર્તાઓને નોટિસ અને કોર્ટ કાર્યવાહી ચાલતી હતી. જેતે સમયે અગ્રણીઓએ વચ્ચે પડી સમાધાન કરી દબાણો તૂટતા બચાવ્યા હતા. પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા રેલવેના અધિકારીઓએ લોકોને નોટિસ આપી જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી.આ આખરી નોટિસની અવગણના કરી લોકોએ ઘર અને દુકાન ખાલી નહિં કરતા આખરે બુધવારે 10 કલાકે રેલવેના અધિકારીઓ તેમના આરપીએફ અને નેત્રંગ પોલીસ ફોર્સ તેમાં 4 બુલડોઝર સાથે ઉતરી પડતા નેત્રંગના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 131 ઘરો અને દુકાનોમાં આજે દબાણ તોડી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. લોકોએ ઘર તૂટવાનાજ છે તેથી રાત્રે જ ઘરવખરી અને અન્ય સરસામાન ખાલી કરવામાં લાગી ગયા હતા. 131 ઘરો તોડતાં લોકોને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થવા પામ્યું હતું.