નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 30 મી એપ્રિલે અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં 2 વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રાજપીપળા પોલીસે આ અકસ્માત મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ડેડિયાપાડા કે.જી.બી.વી શાળાના મુખ્ય શિક્ષિકા કમળાબેન કાશીરામ વસાવા તેમજ નોડલ ઓફિસર દક્ષાબેન ખુમાનસિંગ વસાવા (ખોખરાઉમાર) શાળાના કામ અર્થે એક્ટિવા ઉપર રાજપીપળા આવી રહ્યા હતા.દરમિયાન અમદાવાદથી મહારાષ્ટ્ર જતી ટ્રક મોવી નજીકના વળાંક પર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ટ્રક ચાલકે બ્રેક મારવા જતા ટ્રક પલટી મારી હતી અને ઊંડા ખાડામાં ગરકાવ થઈ હતી. ત્યારે સામેથી આવી રહેલી શિક્ષિકાની એક્ટિવાનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. ટ્રક નીચે દબાઈ જવાથી કમળાબેન કાશીરામ વસાવાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.જ્યારે દક્ષાબેન ખુમાનસિંગ વસાવાને ગંભીર હાલતમાં વડોદરા રીફર કરાયા હતા. ઘટના સ્થળે એક્ટિવા અને એક બહેન ટ્રકમાં ફસાયા હોય તેમને કાઢવા ક્રેઇનની મદદ લેવાઈ હતી.અકસ્માતના બીજા બનાવ મુજબ ટીમરવા ગામના દિનેશ તડવી અને તેમના પત્ની કોકિલાબેન બાઇક લઈ આંબાવાડી ગામે લગ્નમાં જતા હતા. ત્યારે જીતનગર નજીક હાઈવા ટ્રકે બાઇકને અડફ્ટમાં લેતા દંપતી ફેંકાઈ ગયા હતા. જેમાં પત્ની કોકિલાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પતિને ઇજાઓ થતા તેમને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા છે.ઘટનાની જાણ પોલીસને થતા રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
નાંદોદમાં અકસ્માતના બે બનાવઃ 2ના મોત, બે વ્યક્તિને ગંભીર ઇજા
Views: 73
Read Time:2 Minute, 20 Second