
ભાવનગર જિલ્લાના ભરતનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક ઘરફોડ ચોરીની ઘટના બની હતી. જેની તપાસમાં ભરતનગર પોલીસને આરોપી ફઈમ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી ઘરફોડ ચોરીને અંજામ આપી ગુજરાતમાંથી ભાગી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જુદા જુદા ઠેકાણે રહી રહ્યો હોવાનું પોલીસને જાણવા મળતા તાત્કાલિક અસરથી ઉત્તરપ્રદેશમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ભરતનગર પોલીસને મુખ્ય આરોપી હાથ ના લાગતા આ કેસમાં એક શંકાસ્પદ આરોપીને ઝડપી પાડ્યો હતો. અને ત્યારબાદ એ આરોપીને દિલ્હી જયપુર નેશનલ હાઈવે થઈ પરત ભાવનગર તરફ રવાના થયા હતા.
ભાવનગર જિલ્લાના ભરતનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓ શંકાસ્પદ આરોપીને પોતાની ખાનગી કારમાં લઈ દિલ્હી તરફથી ભાવનગર પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન મધરાત્રે 3 વાગ્યાના સમયે જયપુર ખાતે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં કારમાં સવાર ભાવનગરના ચાર પોલીસકર્મીઓના ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યા હતા. તેમજ આરોપીનું પણ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ દુઃખદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ તાત્કાલિક પહોંચી આવી હતી. જ્યાં પોલીસે અકસ્માતમાં મૃતકોની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક પોલીસકર્મચારીઓ છે જેના નામ (1) શક્તિસિંહ ગોહિલ (2) મનસુખ બાલખિયા (3) ભીખુભાઈ બુખેરા અને (4) ઈરફાન આગવાન હોવાનું જણાઈ આવતા જયપુર પોલીસે ભાવનગર પોલીસને જાણ કરી હતી.
જયપુર ખાતે બનેલ દુઃખદ અકસ્માતની ઘટનામાં ગુજરાતનાં ચાર પોલીસ જવાનોના મોતના સમાચાર મળતા ભાવનગર પોલીસ સહીત સમગ્ર ગુજરાત પોલીસમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. હાલ આ ઘટનાના સંદર્ભમાં ભાવનગર જિલ્લા પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક જયપુર ખાતે રવાના થયા હતા.