અન્ય જગ્યાએથી લિવર ન મળતાં પતિને બચાવવા પત્ની આગળ આવી
બ્રેકઅપ અને પ્રેમના અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ પતિ નો જીવ બચાવી પત્ની પોતાનું લિવર આપે એવા રેર ઓફ ધી રેર કેસમાં પ્રેમની સાચી વ્યાખ્યા બન્ને વચ્ચેના અતૂટ પ્રેમ નું ઉદાહરણ કહી શકાય છે. ફોરમ ઈચ્છતી હતી કે, બંને લગ્ન કરે એ પહેલા એકબીજાને સારી રીતે ઓળખી લે, અને ત્યારબાદ બે વર્ષ પછી અતૂટ પ્રેમમાં બંધાયેલા ફોરમ અને શિરેન વર્ષ 2007માં કોર્ટમાં લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. સુરતમાં રહેતા ફોરમ અને શિરેન અંજીરવાલાનો પ્રેમ આજના યુવાનો માટે એક પ્રેરણાનું સચોટ ઉદાહરણ બન્યા છે.
.
તબિયત લથડતા લીવરની બીમારીની જાણ થઈ
શિરેનએ જણાવ્યું હતું કે, તેઓ આઇટી ક્ષેત્રમાં કાર્યકિર્દી બનાવી રહ્યો છે. જ્યારે ફોરમ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં કાર્યરત હતી. 2005માં બન્નેની મુલાકાત થઈ હતી. લગ્ન બાદ દિવસે ને દિવસે તેમનો પ્રેમ વધતો ગયો હતો.પરંતુ વર્ષ 2020માં જ્યારે કોરોનાના કેસો પીક પર હતા, ત્યારે શિરેનની તબિયત લથડી હતી. ડોક્ટરોને બતાવતા ખબર પડી કે, શિરીનને લિવર સીરોસીસ નામની જીવલેણ બીમારી છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય અન્ય કોઈ ઉપાય નથી.ફોરમે જણાવ્યું હતું કે, કોરોનાકાળ ચાલી રહ્યો હતો. ડોક્ટરો કહેતા કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે અને કોરોનામાં ઈન્ફેક્શન વધવાની શક્યતાઓ પણ છે, અમે લિવર મેળવવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. પરંતુ ખૂબ જ લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું હતું.
70 ટકા લિવર પતિને આપી દીધું
ફોરમે વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટરે સલાહ આપી હતી કે, લાઈવ ડોનર પણ શિરેનને લિવર ડોનેટ કરી શકે છે. આ માટે મેં મારી તમામ મેડિકલ પ્રક્રિયા શરૂ કરી કે, જો મારું લિવર શિરીનને મેચ થઈ જાય તો, હું ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પણ તૈયાર હતી. મેડિકલ તપાસમાં મારું લિવર શિરેનમાં મેચ થઈ જતા મારી ખુશીનો કોઈ પાર નહોતો. મારામાં વિશ્વાસ આવી ગયો કે, હવે મારો શિરેન બચી જશે. મારુ 70% લિવર શિરેનને આપ્યું. મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી હતી, 15 દિવસ સુધી શિરેન અને 7 દિવસ હું હોસ્પિટલમાં દાખલ હતા. મને આનંદ છે કે, હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું તેના માટે હું કઈ પણ કરી શકું છું. મારા માટે સિરેનને પ્રેમની એક નાનકડી ભેટ છે. અમારા બન્ને નો પ્રેમ એટલે જ અતૂટ છે કે, હવે હૃદય બાદ લિવરથી પણ જોડાય ગયા છે. બસ હું દરેકને એક જ મેસેજ આપું છું કે, લગ્ન સંબંધની સાચી ભેટ જ પ્રેમ છે, અને પ્રેમ માટે કઈ પણ કરી શકીએ એ જ એક સારું દંપતી કહેવાય છે.
પત્નીએ જીવ બચાવ્યો-પતિ
શિરેને વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્નીએ મારો જીવ બચાવ્યો છે, જે માટે હું તેનો આભારી છું. લિવર રોગથી ગ્રસ્ત હતો. બીજી બાજુ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ થવાનો હતો. એક તરફ મારી તબિયત અને બીજી તરફ ખર્ચને લઇ મારી પત્ની ચિંતિત હતી. પણ તેણે બહાદુરીપૂર્વક આ બંને સમસ્યાનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને પોતાનું લિવર પણ ડોનેટ કર્યું અને સારવારનો તમામ ખર્ચ માટે પૈસા પણ ભેગા કર્યા. લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે અમારે સૌથી મોટી સમસ્યા પૈસાની હતી. કારણ કે, એમા ઘણો ખર્ચ કરવો પડે એમ હતો. અમને ચિંતા પણ હતી કે, આટલી મોટી રકમ અમે ક્યાંથી લાવીશું? સગા સંબંધી મદદ કરે તો પણ કેટલી કરે એટલે અમારી પ્રોપર્ટી પણ વેચવી પડી હતી. આજે હું ખુશ છું કે, મને ફોરમ જેવી પત્ની મળી જેણે પોતાની જિંદગીનો વિચાર કર્યા વગર મને લિવર આપીને નવજીવન આપ્યું હતું.