રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અવાર નવાર ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના વડોદરામાં સામે આવી છે. આ ઘટનામાં એક જમાઈ દ્વારા સસરાની હાજરીમાં જ સાસુને હથોડામાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ જમાઈ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને પોતે હત્યા કરી હોવાનું કબુલાત કરી હતી.
ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ બાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે જમાઈની સાથે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ શરૂ કરી છે. આ ઘટનામાં પ્રાથમિક માહિતી મળી રહી છે કે, માતા અને દીકરી વચ્ચે અનબન થયા બાદ જમાઈ દ્વારા સાસુને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં કલ્યાણ બાગ સોસાયટીમાં 76 વર્ષના સવિતા પટેલ તેમના પતિ અને દીકરાની સાથે રહેતા હતા. સવારના સમયે સવિતા પટેલ ઘરે હતા તે સમયે તે સમયે જમાઈ વિશાલ તેમના ઘરે આવ્યો હતો. ત્યારબાદ જમાઈએ સસરાની હાજરીમાં સાસુ સવિતા પટેલને માથાના ભાગે હથોડો મારીને તેમની હત્યા કરી નાંખી હતી. સવિતા પટેલની હત્યા કર્યા બાદ જમાઈ વિશાલ ભાગવાના બદલે તે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ તેને પોલીસને જણાવ્યું હતું કે, મેં મારા સાસુ સવિતા પટેલની હત્યા કરી નાંખી છે. વિશાલે પોલીસને આ માહિતી આપતા ઘટનાની જાણ પોલીસને થઈ હતી. તેથી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
ઘટના સ્થળ પર પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ સવિતા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ કરવા માટે FSLની પણ મદદ લીધી હતી. આ ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, સવિતા પટેલ અને તેમની દીકરી વચ્ચે કોઈ વાતને લઇને અણબનાવ થયો હતો. બસ આ વાતને લઇને જ વિશાલ તેની સાસુ પર રોષે ભરાયો હતો. તેથી તેને સાસુની તેમના જ ઘરમાં હત્યા કરી નાંખી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક સવિતા પટેલનો દીકરો ગૌરાંગ પટેલ અગાઉ દારુ બનાવવાના કેસમાં વોન્ટેડ જાહેર થયો હતો. આ ઘટના પછી જ સવિતા પટેલને તેમની દીકરીની સાથે અનબન શરૂ થઇ હતી. પોલીસે વિશાલની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વિશાલ કોન્ટ્રકટ પર નોકરી રહ્યો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે વિશાલની સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.