સસ્તી પ્રસિદ્ધિ માટે સોશ્યલ મીડિયા પર લોકો ભાન ભૂલી રહ્યાં છે. જેઓ કેટલીકવાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકવાની સાથે જ ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. એટલું જ નહીં આવી સસ્તી પ્રસિદ્ધિની લ્હાયમાં કાયદાની આંટીધુટીમાં પણ આવી જાય છે. ત્યારે ભરૂચ કેબલ બ્રિજ પર આવા 4 યુવકો જોવા મળ્યા હતા. જેમણે ચાલુ બાઈકે ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો એક વિડીયો બનાવતા આ વિડીયો ભારે વાયરલ થયો છે.અને પોલીસ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
તાજેતરમાં જ સુરતમાં બે યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે ભરૂચના કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર 4 યુવાનોએ ધારીયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં બે બાઇક ઉપર ચાર યુવાનો હાથમાં ધારીયા – કુહાડી સાથે ફુલસ્પીડે પસાર થતા જોખમી ખેલ ખેલતા નજરે પડે છે. પોતાને ચીનુંભાઈ સાબિત કરવા બનાવેલો આ વીડિયો વાયરલ થતા હવે તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે.
પોલીસ હવે આ ચાર યુવાનોને શોધી તેમની ભાઈગીરી ઉતારવા એક્શનમાં આવી છે.ઉલ્લેખનીય છે કે, કેબલ બ્રિજ ઉપર રાતે ખુલ્લેઆમ નગ્ન હથિયારોના પ્રદર્શન વચ્ચે તેનો વિડીયો બનાવી ભાઈગીરીના અભરખા સાથે વીડિયો પોતાના સ્ટેટ્સ ઉપર મુકવામાં આવ્યો હતો. ત્યારે આ વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ યુવાનો કોણ છે અને ક્યાં હેતુસર વીડિયો બનાવ્યો હતો તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.