ફતેપુરા વિસ્તારમાં ગતરોજ દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ સાથે બંદોબસ્તમાં હતો સિટી પોલીસનો સ્ટાફકોન્સટેબલ ત્રિભુવન નારયણદાસનો વિડિઓ સોશિયલ મીડિયા વાયરલ થયો હતો.સિટી પોલીસ સ્ટેશન ખાતે કોન્સટેબલ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવી
કાયદો પ્રજા અને સરકારી કર્મચારીઓ બધાને લાગુ પડતુ હોય છે. કાયદાથી ઉપરવટ જતા પોલીસ કર્મીઓ માટે દાખલો બેસાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક સામાન્ય વ્યક્તિ જો દારૂ પીધેલી હાલતમાં જણાઇ આવે તો પોલીસ તેની સામે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ જ્યારે પોલીસ કર્મી જ દારૂ પીધેલી હાલતમાં હોય તો તેની સામે કોઇ પગલા લેવા નથી, તેવી ફરીયાદ અનેક વખત ઉઠી છે. પરંતુ આ પ્રકારની ફરીયાદને ખોટી સાબિત કરી કાયદો બધા માટે એક સમાન છે, તેનો દાખલો બેસાડતા કિસ્સો વડોદરા શહેરમાં જોવા મળ્યો છે.
શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લારી ગલ્લા ધારકો દ્વારા રસ્તા પર કરાયેલા દબાણો દૂર કરવાની પાલિકા દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી છે. જેના ભાગરૂપે ગતરોજ પાલિકાની ટીમ શહેરના ફતેપુરા વિસ્તારમાં દબાણો દૂર કરવા પહોંચી હતી.
આ દરમિયાન કોઇ ઘર્ષણ ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.આ દરમિયાન પાલિકાની ટીમ દબાણો દૂર કરવા માટે ફતેપુરા વિસ્તારમાં આવેલી ગરનાળા ચોકી પાસેના દબાણો દૂર કરવા પહોંચી હતી. તેવામાં સ્થાનિકોનો ટોળુ એકઠુ થયુ અને સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ ત્રિભુવન નારયણદાસ નશામાં ચુર હોવાનુ જણાઇ આવ્યું હતુ. જેથી સ્થાનિકોના ટોળાએ હેડ કોન્સટેબલનો ઉઘળો લેતા ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી.આ સમગ્ર ઘટનાનોનૉ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિટી પોલીસ એકશનમાં આવી હતી.
જેમાં સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઇ એન.એલ પાંડોર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હે. કોન્સટેબલને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવતા તેણે ફરજ દરમિયાન કેફી પીણુ પીધુ હોવાનુ જણાઇ આવ્યું હતુ. જેથી હેડ કોન્સટેબલ ત્રિભુવન નારયણદાસ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી તાત્કાલીક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા.