
ભરૂચ જિલ્લામાં બે અલગ-અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રથમ ઘટનામાં હાંસોટ તાલુકાના ઇલાવ ગામની સીમમાં આવેલા મોબાઈલ ટાવરને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ ડી.સી.સેટને તોડી આઇસર મેક, ચેન્જ ઓવર સહિતનો સામાન મળી રૂપિયા 3.49 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામના નેશનલ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ રૂપિયા 1.66 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.હાંસોટ તાલુકાના ઇલાવ ગામની સીમમાં આવેલી મોહનભાઈ પટેલની જમીનમાં રિલાયન્સ જીઓ કંપની દ્વારા મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો. જે ટાવર ખાતે 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે ડી.સી.સેટ મૂકવામાં આવ્યો છે. જે મોબાઈલ ટાવરને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ડી.સી.સેટને તોડી તેમાં રહેલા આઇસર મેક, ચેન્જ ઓવર અને એક્ઝિકોમ-1, રેકીટ ફાયર, બેટરી સહિત અલગ અલગ 11 વસ્તુઓ મળી કુલ રૂપિયા 3.49 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે કંપનીના અધિકારીએ હાંસોટ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.ચોરીની બીજી ઘટના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં બની છે. જ્યાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.66 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મૂળ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના અને હાલ અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામના નેશનલ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા મહેશ ગોવિંદભાઈ પ્રજાપતિ જે.બી.કેમિકલમાં નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે, તેઓ અને તેઓના પત્ની ગતરોજ નોકરી પર ગયા હતા અને તેઓની પુત્રી કોલેજ ખાતે મકાન બંધ કરી ગઈ હતી.આ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવી ઘરની બારી વાટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા રોકડા રૂપિયા 3 હજાર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 1.66 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.