સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ ગુલાબ વાવાઝોડાને પગલે ધોધમાર વરસાડ પડ્યો છે. જિલ્લામાં 14 કલાકમાં જ મૌસમના 12% વરસાદ પડતાં જનજીવન ઠપ થયું છે. સૌથી વધુ ભરૂચમાં 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના નોકરિયાત વર્ગને ભારે હાલાકી પહોંચી હતી, તો અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી.હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે ભરૂચમાં વીજળીના કડાકાભડાકા સાથે મેહુલિયાએ રાતભર વિસ્ફોટક બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ભરાતાં કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે. ભરૂચમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે ભરૂચ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ‘ગુલાબ’ નામનું ચક્રવાતી વાવાઝોડું ઓડિશાના સાગરકાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું. ચક્રવાતની અસર હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ગત મધરાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. અમરેલીમાં સવારે એક ઈંચ તો બાબરામાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
7 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, ઘરો- દુકાનોનો પહેલો માળ પાણીમાં ડૂબ્યો, અનેક વાહનો તણાયાં…
Views: 82
Read Time:2 Minute, 58 Second