હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ભરૂચમાં ભાદરવો ભરપૂર બનતા ગુરૂવારે માત્ર 50 મિનિટમાં જ 2 ઇંચ વરસાદ ખાબકી જતા જોતજોતામાં સર્વત્ર જળ બંબોળ કરી દીધું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભરૂચ શહેરમાં ભારે વરસાદ વરસી પડતા સેવાશ્રમ, શક્તિનાથ ગરનાળુ, પાંચબત્તી, કસક ગરનાળા, ધોળીકોઈ, દાંડિયાબજાર, ગાંધીબજાર, ફુરજા વિસ્તારમાં ધસમસતા પાણીનો પ્રચંડ પ્રવાહથી રહીશો, રાહદારીઓ, વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.ભરૂચમાં ભારે વરસાદના પગલે સસ્તાઓ નદીમાં ફેરવાયા છે, ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં બાળકો સહિત 5 જણ રોડક્રોસ કરવા જતાં પાણીમાં ફસાયા હતા. શહેરના દાંડિયા બજારમાં ભરાયેલા વરસાદી પાણીમાં સ્કૂલના બાળકો સહિત 5 જણ એકબીજાનો હાથ પકડી ધસમસતા પાણી વચ્ચે રોડ ક્રોસ કરી રહ્યા હતા. જેમાંથી ત્રણના પગ પાણીમાં ખેંચાતા અને ધસમસતા પાણી વચ્ચે જ પગ લપસી પડતા તમામના જીવ તાળવે ચોટયા હતા. જોકે, એકબીજાનો હાથ જોરથી પકડ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.શહેરના નીચાણવાળા વિસ્તારો સાથે સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોની હાલત દયનિય બની ગઈ હતી. કેટલીય સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જોકે, ઘનઘોર વાતાવરણ વચ્ચે 50 મિનિટ સુધી મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કર્યા બાદ વિરામ લેતા લોકોના જીવમાં જીવ આવ્યો હતો. વરસાદ બંધ થયા બાદ શહેરમાં પ્રભાવિત થહેલુ જનજીવન ફરી ધબકતું થયું હતું અને લોકોએ પોતાના ઘરમાં ભરાઈ ગયેલા વરસાદી પાણીને ઉલેચવાની કામગીરી હાથ ધરી હતી.જિલ્લાના અન્ય તાલુકાઓમાં બપોરે 2 કલાક સુધીમાં વાલિયા તાલુકામાં 18 મિમી, ઝઘડિયામાં 14 મિમી અને જંબુસરમાં 5 મિનિટ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ જિલ્લામાં મૌસમનો કુલ વરસાદ 79 ટકા નોંધાઇ ચુક્યો છે. જ્યારે અંકલેશ્વરમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ગયો છે.
ભરૂચમાં વીજળીના કડાકા ભડાકા સાથે 50 મિનિટમાં 2 ઇંચથી વધુ વરસાદ, રસ્તો ઓળંગતાં બાળકો પાણીના પ્રવાહમાં ફસાયા…
Views: 70
Read Time:2 Minute, 38 Second