ભરૂચના ટોઠીદરા ગામે 20 ટનનું હિટાચી મશીન તણાયું, બોટની મદદથી ઓપરેટરને બચાવી લેવાયો ; ગઈકાલે જામનગરમાં JCB તણાયું હતું
ભરૂચ જિલ્લામાં પણ સોમવારે સવારથી જ વરસાદે પોતાનો મુકામ જમાવતા જોત જોતામાં નીચાણવાળા વિસ્તારોને પાણીથી તરબતર કરી દીધા હતા.ત્યારે રેવાના રોદ્ર સ્વરૂપનો હેરતમાં મૂકી દેનારો વિડીયો ઝઘડિયા તાલુકામાંથી સામે આવ્યો છે.જિલ્લામાં નદી કિનારે અને નદીમાં ચાલતા રેતી ખનનમાં કાયદેસર કે ગેરકાયદેસર રીતે પાળા બનાવી અને મહાકાય મશીનો મૂકી ખનનનો ધીકતો કારોબાર ચાલી રહ્યો છે.નર્મદા નદી કિનારે ઝઘડિયાના ટોઠીદરા ગામે એક હિટાચી મશીન દ્વારા નદીમાં ખનન થઈ રહ્યું હતું. સોમવારે બપોર બાદ પૂનમની ભરતીના કારણે એકાએક જળ પ્રવાહ વધતા રેવા એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.ઓપરેટર સાથે 20600 કિલો એટલે કે 20 ટનનું મહાકાય હીટાચી મશીન નદીના ધસમસતા પ્રવાહમાં તણખલાની જેમ તણાવા લાગ્યું હતું. ઓપરેટરે બુમરાણ મચાવવા સાથે નજીક રહેલા અન્ય લોકો અને નાવડીવાળાઓ ને ઘટનાની જાણ થઈ હતી. અન્ય બોટે રેવાના ધસમસતા નીરમાં તણાતાં મશીનમાંથી ઓપરેટરને ઉગારી લીધો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે નર્મદા નદીમાં આ ખનન કાયદેસર કે ગેરકાયદેસર રીતે થઈ રહ્યું હતું તેના ઉપર પણ સવાલો ઉઠી રહ્યાં છે.આજે ભરૂચમાં નર્મદા નદીમાં હિટાચી મશીન તણાયું હોવાનો બનાવ સામે આવ્યો છે તો ગઈકાલે જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે કાલાવડ તાલુકાના છતર ગામની નદીમાં એક JCB મશીન તણાયું હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. સદનસીબે છતર ગામમાં તણાયેલા JCB મશીનના ચાલકનો પણ ચમત્કારિક બચાવ થયો હતો.