નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તક ભરૂચની મકતમપુર કૃષિ મહાવિદ્યાલય ખાતે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ , નવી દિલ્લી દ્વારા સંચાલિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના અંતર્ગત ઓટોમેટીક વેધર સ્ટેશન લગાવવામાં આવ્યું છે .ભરૂચમાં લગાવાયેલ સૌ પ્રથમ ઓટોમેટીક વેધર સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડો . કે . જી . પટેલ એ જણાવ્યું છે કે, કપાસ સંશોધન કેન્દ્ર ખાતે ઓટોમેટીક વેધર સ્ટેશન લગાડવામાં આવ્યું છે અને જે દર 15 મિનિટે અલગ અલગ હવામાન પરિબળોના આંકડા પ્રદાન કરશે . ઓટોમેટીક વેધર સ્ટેશનનો ઉપયોગ સંશોધન કાર્યો તેમજ ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ માટે ઉપયોગી થશે.
ઓટોમેટિક વેધર સ્ટેશન દર પંદર મિનિટે હવામાનના અલગ અલગ પરિબળો મુખ્યત્વે વરસાદની માત્રા , હવાની ગતિ અને દિશા , તાપમાન , હવામાં ભેજનું પ્રમાણ અને હવાનું દબાણની માહિતી આપશે. વેધર સ્ટેશન દ્વારા મળેલા આધાર ઉપર ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા કોઈ પણ ક્ષેત્ર નું હવામાન પૂર્વાનુમાન જાણી શકીએ છીએ . આ યોજના અંતર્ગત ભરુચ જિલ્લાના ખેડૂતોને દર મંગળ અને શુક્રવારે આગામી પાંચ દિવસોમાં હવામાન કેવું રહેશે તેના દ્વારા હવામાન આધારિત કૃષિ સલાહ બુલેટિન વોટ્સએપ ના માધ્યમથી ખેડૂતોને પ્રદાન કરવામાં આવે છે.