
ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના કલાક ૦૦/૩૦ થી ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પીટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯ બિમારીથી સંક્રમિત કુલ-૧૬ દર્દીઓ અને ૦૨(બે) નર્સ મળી કુલ-૧૮ નિર્દોષ નાગરીકોના મૃત્યુ પામ્યા હતા. આ અતિ ગંભીર આગ લાગવાના બનાવની જાણ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક ભરૂચનાઓને થતા તેઓની પોલીસ ફોર્સ સાથે તાત્કાલીક બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતીને કાબુમાં લઇ ૨૫ જેટલા કોરોના પીડીતોને આગમાંથી આબાદ બચાવી લીધા હતા. ઉપરાંત આ મુશ્કેલ અને સંવેદનશીલ પરિસ્થિતીમાં કુશળતાપુર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવી રાખી હતી. જે અનુસંધાને ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાઓ ધ્વારા ઉપરોકત બનાવમાં સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસને રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) નુ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. ઉપરોકત ઇનામની તમામ રકમ રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના અનુરોધથી તમામ પોલીસ અધિકારી તથા જવાનોએ મુખ્યમંત્રી કોવીડ નિધી ફંડમાં આપવાનો નિર્ણય કરેલ છે.