વાલિયાના કોંઢ ગામના બસ સ્ટેશન નજીક આવેલી અંબિકા જ્વેલર્સને ગાડી લઈને આવેલા તસ્કરોએ નિશાન બનાવી
વાલિયા તાલુકાના કોંઢ ગામના બસ સ્ટેશન નજીક આવેલા શોપિંગ સેન્ટરની અંબિકા જ્વેલર્સને વહેલી સવારે તસ્કરોએ નિશાન બનાવી ત્રણ કિલો ચાંદી સહિત અંદાજિત કુલ 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
અંકલેશ્વરનાં કોસમડી ગામમાં રહેતા પ્રકાશ સોની વાલિયા તાલુકાનાં કોંઢ ગામના બસ સ્ટેશન નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં અંબિકા જવેલર્સ નામની દુકાન ચલાવે છે. જેઓએ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. તે દરમિયાન આજરોજ વહેલી સવારે તસ્કરોએ તેઓની જવેલર્સની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ દુકાનનું શટર ઊચું કરી અંદર પ્રવેશ કર્યો હતો. અને દુકાનમાં રહેલા ત્રણ કિલો ચાંદી તેમજ દસ્તાવેજો મળી અંદાજિત 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
- ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કદ થઇ છે. જેમાં ઈકો કાર લઈને આવેલા ત્રણ તસ્કરો દુકાનનું શટર ઊંચકી ચોરી કરતાં નજરે પડી રહ્યાં છે. ચોરી અંગે જ્વેલર્સના માલિકે વાલિયા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ શોપિંગમાં ચાર જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી.