આડા સંબંધનો વહેમ રાખી અપંગ પત્નીને ચપ્પુના ઘા ઝીંકી પતિએ રહેંસી નાખી
વાલિયા તાલુકાના હાથાકુંડી ગામમાં આડા સંબંધના વહેમમાં પતિએ અપંગ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જોકે વાલિયા પોલીસે ગણતરીના કલાકોમા હત્યારા પતિને ઝડપી પડી જેલ ભેગો કર્યો છે.
વાલિયા તાલુકાના હાથાકુંડી ગામમાં રહેતી સરલાબેન વસાવા 8 વર્ષની બાળકી અને પતિ ભુપત વસાવા તેમજ સાસુ-સસરા સાથે સહિયારા પરિવાર સાથે રહે છે. તેણીના પતિ તેની સાથે તેના અન્ય કોઈ સાથે આડા સંબંધનો વહેમ રાખી વારંવાર ઝઘડો કરતો હતો. તેણી પોતાના ઘરે હતી તે દરમિયાન ગતરોજ રાતે પતિએ પત્ની સાથે ફરી ગામના છોકરાઓ સાથે આડા સંબંધ હોવાના બાબતે પત્ની સાથે ઝઘડો કર્યો હતો. અને આવેશમાં આવી ગયેલા પતિએ ઉશ્કેરાઈ જઇ પત્ની પર ચપ્પુ વડે તૂટી પડ્યો હતો. અને ચપ્પુ માથા અને ગાળાના ભાગે મારી તેણીને રહેંસી નાખી હતી.
બનાવ અંગે મૃતકના ભાઈને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. અને હત્યા અંગે વાલિયા પોલીસ મથકે જાણ કરી હતી. વાલિયા પોલીસે હત્યા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ગણતરીના કલાકોમાં વાલિયા પોલીસે હત્યારા પતિ ભૂપત વસાવાને મૌઝા ત્રણ રસ્તા નજીક ઝાડ નીચે નિંદર માણતા જ ઝડપી પાડ્યો હતો. અને તેને જેલ ભેગો કર્યો હતો.