રોડ નજીક પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના ઉભેલ ટ્રક અંધારામાં દેખાતા નહિ અકસ્માત સર્જાયો
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અને ઝઘડીયા પોલીસના વિસ્તારના અસનાવી ગામ નજીક રોડ પર પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના તેમજ કોઇ આડ મુક્યા વિના ઉભેલ ટ્રક સાથે એક મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલક ૨૨ વર્ષના યુવકનું ઘટના સ્થળેજ કરુણ મોત થયુ હતુ. જ્યારે પાછલ બેઠેલ અન્ય યુવક ઇજાગ્રસ્ત થયો હતો.વિગતો મુજબ આજે સવારે પોણા છ વાગ્યાના અરસામાં નેત્રંગ તાલુકાના વણખુંટા ગામનો રાજકુમાર રણછોડભાઇ વસાવા નામનો યુવાન મોટરસાયકલ લઇને નોકરીએ જવા નીકળ્યો હતો ત્યારે અસનાવી ગામ નજીક રોડ પર અંધારામાં પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના અને કોઇ આડ મુક્યા વિના ઉભેલ ટ્રક સાથે અથડાતા મોટરસાયકલ ચાલક રાજકુમારનું ઘટના સ્થળેજ કરુણ મોત થયુ હતુ.જ્યારે પાછળ બેઠેલ નિલેશકુમાર વસાવા નામનો યુવક ઘવાયો હતો.ઘટના અંગે મૃતકના પિતા રણછોડભાઇ ભીખજીભાઇ વસાવાએ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના કે કોઇ આડ મુક્યા વિના ટ્રક પાર્ક કરનાર ટ્રક ચાલક વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.