કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને રાજ્યસરકાર પણ દારૂબંધીના દુષણને ડામવા કટિબદ્ધ છે. પરંતુ અમુક પોલીસકર્મિઓ અને બુટલેગરો ના મેળાપીપણામાં દારૂના ધંધા આબાદ રીતે ફૂલી ફળી રહ્યા છે. આ વાતને ઉજાગર કરતો કિસ્સો ભરૂચમાં બનવા પામ્યો છે. જ્યાં એક માથાભારે બુટલેગર અને તેના સાગરીતોના ત્રાસના કારણે ભરૂચના વસંતમિલની ચાલીમાં રહેતા પરિવારને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે. આ સંદર્ભમાં સ્થાનિક બી ડિવિઝનની પોલીસને અવારનવાર અરજીઓ અને રજૂઆતો કરવા છતાં બી ડિવિઝન પોલીસના હાથ જાણે બુટલેગર સામે ટૂંકા પડયા હોય ફરીયાદી મહિલાએ આખરે ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઓફિસના દ્વાર ખખડાવ્યા છે.
ભરૂચના વસંતમિલની ચાલીમાં રહેતા એક મહિલા દક્ષાબેન રમેશભાઈ વસાવાએ પોતાના સગા સબંધીઓ સાથે એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાને પોતાની આપવિતી જણાવી ફરીયાદ આપી ન્યાયની માંગણી કરી છે. ફરીયાદી મહિલા દક્ષાબેન વસાવા પોતાની ફરિયાદમાં જણાવે છે કે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા વસંતમિલની ચાલીમાં માથાભારે મહિલા બુટલેગર કંકુબેન વસાવા ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો ચલાવે છે અને આજુબાજુમાં રહેતા રહીશોમાં પોતાનો ભય ફેલાવી લોકોને ધાક ધમકીઓ આપી ગુંડારાજ ચલાવે છે. જેમાં ગત 15 ઓક્ટોબરના રોજ મહિલા બુટલેગર અને તેના મળતિયાઓએ પાડોશમાં રહેતા દક્ષાબેન અને તેના પતિને ઢોર માર માર્યો હતો. એટલુજ નહી પણ પતિપત્ની ને જીવતા સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મહિલા બુટલેગર કંકુ વસાવા અને તેમના માથાભારે સાગરીતોએ ફરીયાદી મહિલા દક્ષાબેન વસાવાને ઘરમાંથી કાઢી મુક્યા હતા ને જો અહીંયા પાછા આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટના બન્યા બાદ દક્ષાબેન વસાવા અને તેમના પતિને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર પણ લેવી પડી હતી. સમગ્ર ઘટના વિશે બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી પાછી આવી ગઈ હતી.પરંતુ પોલિસે માથાભારે મહિલા બુટલેગર કે તેના સાગરીતો ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધ્યો ન હતો. તો બીજીતરફ બુટલેગરના ત્રાસ અને ધાકધમકીના કારણે પોતાના જીવને કોઈ જોખમ ના થાય તેના માટે ફરીયાદી મહિલા અને તેનો સમગ્ર પરિવારને પોતાનું ગામ અને ઘર છોડવું પડ્યું છે. અને આજદિન સુધી તેઓ પોતાના સગા સબંધીઓને ત્યાં રહી જીવનનું ગુજરાન ચલાવી રહ્યા છે. હવે સવાલ એ ઉત્પન્ન થાય છે કે આખરે આ માથાભારે બુટલેગર સામે સ્થાનિક પોલીસ કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહી? આખરે કોના આશીર્વાદ થી છેલ્લા પંદર વર્ષથી મહિલા બુટલેગર દેશી દારૂનો મોટો અડ્ડો ચલાવી રહી છે? શુ આ મહિલાને કાયદા કે પોલીસનો કોઈ ડર નથી? કે પછી શુ સ્થાનિક પોલીસ સાથે મીલીભગત રાખી બિન્દાસ્ત દારૂનો વેપલો ચલાવી રહી છે મહિલા બુટલેગર? આખરે પીડિત પરિવારને કેમ પોતાનું ઘર છોડવું પડ્યું? પોતાના સાથે થયેલા અન્યાય સામે આવાજ ઉઠાવવા મહિલાએ કેમ એસપીના દ્વાર ખખડાવવા પડયા? શુ સ્થાનિક પોલીસની જવાબદારી નથી કે તે કસુરવારો સામે કડક કાર્યવાહી કરે? જે કઈપણ હોય પણ હાલ એક માથાભારે મહિલા બુટલેગર અને તેના મળતીયાઓએ વસંતમિલની ચાલીમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. જેના લીધે એક નિર્દોષ પરિવારને હિજરત કરવી પડી છે.હવે જોવાનું રહ્યું કે પીડિત પરિવારે ન્યાયની ગુહાર ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાને કરી છે.શુ એસપી પીડિત પરિવારને ન્યાય અપાવશે એતો આવનાર સમય બતાવશે.પરંતુ આટલુ જરૂર કહી શકાય કે ભલે રાજ્યસરકાર પ્રજાની શાંતિ, સુરક્ષા, અને સલામતીની ચિંતા કરી ગુંડા એક્ટ બનાવતી હોય, પરંતુ અમુક ભ્રષ્ટ પોલીસકર્મિયોની મીલીભગતના કારણે માથાભારે તત્વો અને બુટલેગરો કાયદા કે પોલીસનો કોઈ ડર રાખતા નથી તેવું આ ઘટના થી સ્પષ્ટ દેખાઈ આવે છે.