અમદાવાદ શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશન હદમાં આવતા અસારવા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નવા અસારવાના પટેલવાસમાંથી ઇંગ્લિશ દારૂની 66 બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. અગાઉ પણ શાહીબાગ વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. અગાઉની રેડ દરમ્યાન પણ શાહીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી, અને અત્યારે પણ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં શાહીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. જેના લીધે સ્થાનિક પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઉભો થયો છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો કડક પણે અમલ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે. આમ છતાં પણ સમગ્ર ગુજરાત, અમદાવાદમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. સૌ કોઈ જાણે છે કે અમદાવાદમાં અવારનવાર ઇંગ્લિશ અને દેશી દારૂના મોટા જથ્થા મળી આવે છે. જેમા વધુ પડતા બહારની એજન્સીઓ જેમકે પીસીબી, ક્રાઇમબ્રાન્ચ, સ્ટેટ મોનીટરીંગ સેલ ને મોટા પાયે દારૂના જથ્થા ઝડપી પાડવામાં સફળતા મળી આવે છે. તો સવાલ એ થાય છે કે સુ આ સ્થાનિક પોલીસની જાણ બહાર થાય છે, કે પછી મસમોટા હપ્તા લઇ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જ બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે.
એકતરફ પ્રામાણિક પોલીસ અધિકારીઓ પોતાના જીવના જોખમે દારૂબંધી નાથવા દિવસ રાત મહેનત કરી દારૂની હેરાફેરી કરનારા અને દેશી વિદેશી દારૂની હાટડીઓ ચલાવનારા બુટલેગરો ને દબોચી પોલીસની શાન વધારતા હોય છે. તો બીજીતરફ અમુક લાંચિયા અધિકારીઓ કે જે રાતોરાત રૂપિયા કમાવવાની લાહ્યમાં બુટલેગરો સાથે મિલી ભગત કરી સમગ્ર ખાખીને દાગ લગાડતા હોય છે.
જો આ ઘટના અનુસંધાનમા વાત કરીયે તો થોડા દિવસ અગાઉ પણ શાહીબાગના અસારવા વિસ્તારમાં ભોગીલાલની ચાલીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વવારા રેડ પાડી લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. અને હાલ ઘટનામાં અસારવાના પટેલવાસમાંથી 66 બોટલ ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. આ બંને ઘટના અને અસારવામાં અવારનવાર વિવિધ એજન્સીઓ દ્વારા ઇંગ્લિશ અને દેશી દારૂ પકડાતો હોય છે, જેથી શાહીબાગ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે? સુ સ્થાનિક પોલીસ બુટલેગરો ઉપર અંકુશ મેળવવામાં નિષ્ફળ નીવડી રહી છે? સુ સ્થાનિક પોલીસ નિષ્ક્રિય છે? કે પછી પોલીસ બુટલેગરોને છાવરી રહી છે? આવા અનેક સવાલો સ્થાનિક લોકોમાં ઘર કરી ગયા છે. હવે જોવાનું રહ્યું કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાના લીધે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે કેવી રીતના પગલા ભરવામા આવે છે.
ઉલ્લેખનિય છે કે હાલમાંજ નવસારી ખાતે એક મિટિંગને સંબોધતા ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ દારૂબંધીને લઈને સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. અને ખુલ્લેઆમ પોતાના ભાષણમાં ગુજરાત પોલીસતંત્રની કામગીરી અને સરકારની દારૂબંધીની નીતિયો ને નિષ્ફળ અને બનાવટી ગણાવી ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવા જણાવ્યું હતું.
અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં ખુલ્લેઆમ ઠેર ઠેર દારૂ જુગાર ના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે પરંતુ દારૂ જુગારના સંચાલકો કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર બેખોફ બનીને પોતાના અડ્ડાઓ ચલાવી રહ્યા છે. એક તરફ તો ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા પણ દારૂબંધીને નાથવા કડક હાથે પગલા લેવા અને કસૂરવાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી દીધેલ છે. છતાં અમદાવાદમાં કોની રહેમ નજર હેઠળ દારૂ જુગારની બદીઓ ફૂલી ફળી રહી છે તે ખરેખર તપાસનો વિષય છે.