ભરૂચ શહેર અને જિલ્લામાં હાલ તો રોડ રસ્તા ની પરિસ્થિતિને લઈને વિરોધનો વંટોળ શરૂ થયું છે. આજરોજ ભરૂચ માં વિપક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી શહેરના રસ્તાઓની મરામત કામગીરી સહિત ખુલ્લી ગટરો ને બંધ કરવા મુદ્દે રજૂઆત કરી હતી.
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી અવિરત મેઘરાજા વરસી રહ્યા છે જોકે મેઘરાજાની તોફાની બેટિંગ એ ભરૂચ જિલ્લાના વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી છે. પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી હતી અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી થઈ હતી જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાએ એક ઝલક દેખાડતા જ પ્રિમોન્સુન કામગીરી ની પોલ છતી પડી છે. ભરૂચના કતપોર અને ગાંધી બજાર વિસ્તારમાં મેઘરાજાના આગમનની સાથે પાણી ભરાઇ જતા સ્થાનિકોને ભારે હાડમારી નો સામનો કરવો પડી રહ્યો છે જોકે આ વખતે ખુલ્લી ગટરોમાં કેટલાક લોકો ખાબક્યો હોવાના વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં પાલિકા દ્વારા ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મેઘરાજાની ઝલકે શહેરના રસ્તાઓને પણ ખાડાઓમાં ફેરવી નાખ્યા છે. જેને લઇ લોકોમાં રાજકીય નેતાઓ પ્રત્યે રોષની લાગણી ભભૂકી ઉઠી છે લોકોને પડતી તકલીફને ધ્યાનમાં રાખી આજરોજ ભરૂચ નગર પાલિકા કોંગ્રેસ પાર્ટીના દંડક અને કાઉન્સિલર હેમેન્દ્ર કોઠીવાલા ની અધ્યક્ષતા માં વિપક્ષ તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકા પ્રમુખ ને આવેદનપત્ર આપી શહેરના રોડ રસ્તાઓની બિસ્માર હાલત તેમજ શહેરમાં રહેલ ખુલ્લી ગટરો બાબતે રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરના મોટાભાગના માર્ગો પર નાના મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઇને વાહનચાલકોએ કયા રસ્તે થી પસાર થવું તેવી મૂંઝવણમાં મુકાયા છે. રોડની અતિ બિસ્માર હાલત ને પગલે લોકોમાં પણ રાજકીય નેતાઓને સામે રોષની લાગણી ભભૂકી ઉઠી છે જોકે હવે સ્થાનિકોનો વિરોધ બાદ સંબંધિત વિભાગના અધિકારીઓએ રોડ બનાવવા પ્રત્યે રસ દાખવવો જ રહ્યું.