
ઝઘડિયા તાલુકાના રાજપારડીમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજપુરવઠો ખોરવાઇ જતાં લોકોની હાલત દયનીય બની જાય છે. બુધવારે રાત્રિના 10 વાગ્યા બાદથી વીજળી ડુલ થઇ જતાં સ્થાનિકો ગરમીમાં શેકાયા હતાં. વીજકંપનીની કચેરીએ સ્થાનિકોએ હલ્લો બોલાવ્યો હતો. રાહુલ શાહ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, લાઇટ જતાંની સાથે જ કર્મચારીઓ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં હોય છે. 5 વર્ષથી રાજપારડીમાં 5 વર્ષથી તંત્ર ખાડે ગયું છે. ડીજીવીસીએલના કેટલાક હેલ્પરો નશામાં રહેતાં હોવાથી ગ્રામ પંચાયતના હેલ્પરોથી કામ ચલાવવું પડે છે. રાજપારડી ઓફિસના અધિકારીની બદલી કરી તેના બદલે સારા અધિકારીને મુકવામાં આવે તે જરૂરી છે. રાજપારડી નગરમાં છેલ્લા એક સપ્તાહથી વીજધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ચોમાસા પહેલાં પ્રિમોનસુન કામગીરી કરવામાં આવે છે પણ ચોમાસામાં તો લાઇટો જતી જ રહે છે. બુધવારે રાત્રિના સમયે લાઇટો જતી રહેતાં સ્થાનિકો વીજ કંપનીની કચેરીએ પહોંચી ગયા હતાં પણ ત્યાં કોઇ જવાબદાર અધિકારી નહિ હોવાના કારણે તેમણે મિજાજ ગુમાવી દીધો હતો અને હોબાળો મચાવ્યો હતો. આખો દિવસ ગરમીમાં પસાર કર્યા બાદ રાત પર લોકોને ગરમીની વચ્ચે પસાર કરવાની ફરજ પડી હતી.