*અંકલેશ્વર ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની આન, બાન, શાન સાથે ઉજવણી*——*જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી*——*આઝાદીના ૭૭માં પર્વ નિમિત્તે ″ભવ્ય થી ભવ્ય ભરૂચ″ બનાવાનો નારો આપતાં જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરા*———-*અંગ્રેજ સરકારની ગુલામીની સાંકળ તોડીને માત્ર ૭૭ વર્ષમાં તેમનાં કરતાં પણ બધા જ ક્ષેત્રોમાં આગળ આવીને પ્રગતિ કરી શકે તે દેશ ભારત છે: જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરા*——- ભરૂચ:મંગળવાર: દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૭માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઓ.એન.જી.સી. હેલીપેડ ગ્રાઉન્ડ ગડખોલ,અંકલેશ્વર ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ વેળાએ ખુલ્લી જીપમાં પોલીસ પરેડ નિરીક્ષણ કર્રીને જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ જિલ્લાના સર્વ નાગરિકોને સ્વતંત્ર પર્વના પાવન અવસરે શુભકામનાઓ પાઠવી હતી.તેમને આઝાદીના અમૃતકાળમાં આગામી સમયમાં દેશને કેવી દિશા આપવી છે.તે માટેનો દિવસ ગણાવ્યો હતો.
વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલ ″મેરી માટી મેરા દેશ:વીરોને વંદન″ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ, રાજ્ય તથા જિલ્લાના તમામ નાગરિકોના હૃદયમાં તથા ઘરમાં “હર ઘર તિરંગા” અભિયાન થકી આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપવાનો તથા દેશનાં આઝાદીમાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીરોને યાદ કરીને તેમને વંદન કરવાનો અને માતૃભૂમિને નમન કરવાનો અવસર ગણાવ્યો હતો. ભારતના ૨.૫ લાખથી વધુ ગામડાઓની માટી દિલ્હીમાં જઈને અમૃત વાટિકાનું નિર્માણ થનારું છે.તેમ તેમણે ઉમેર્યું હતું .
ભરૂચના ભવ્ય ભૂતકાળની લોકવાયકા “ભાગ્યું ભાગ્યું તોય ભરૂચ”થી લઈને વર્તમાન “ભર્યું ભર્યું ભરૂચ” સંકલ્પના યાદ કરતાં જણાવ્યું હતું કે,આઝાદીના ૭૭ વર્ષમાં સૌ પ્રથમ વાર રેલવેને ઇન્ટર કનેક્ટ કરીને ૫૦૮ રેલવે સ્ટેશનોને નવનિર્માણ પ્રધાનમંત્રીશ્રીએ ઈ -લોકાર્પણ કર્યું હતું તે માત્ર રીનોવેશનનું કાર્ય ન ગણતા ભારતના દરેક નાગરિકોની અસ્મિતાને જોડાણનું ભગીરથ કાર્ય ગણાવ્યું હતું.
દેશના વિજ્ઞાન અને પ્રાધૌગિકીની પ્રગતિની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે,આગામી સમયમાં ચંદ્રયાન થકી આપનો રાષ્ટ્ર ધ્વજ ચંદ્ર પર પણ લહેરાવાનો તેમ તેમણે ઉમેર્યું હતું.વધુમાં તેમણે અંગ્રેજ સરકારના આયોજન પૂર્વકના સાશનનો જવાબ માત્ર ૭૭વર્ષમાં આપતાં હતું કે,ભારતે માત્ર આટલા જ વર્ષમાં વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી છે તેનો યશ દેશના નાગરિકો,દેશ નીતિવિષયક નિર્ણયો લેનારાઓને ફાળે જાય છે. આમ,અંગ્રેજ સરકારની ગુલામીની સાંકળ તોડીને માત્ર ૭૭ વર્ષમાં તેમનાં કરતાં પણ બધા જ ક્ષેત્રોમાં આગળ આવીને પ્રગતિ કરી શકે તે દેશ ભારત છે તેમ જિલ્લા સમાહર્તા શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું. તાજેતરમાં ભારત સમગ્ર વિશ્વના ૨/૩ ઇકોનોમિ ધરાવતા દેશોના ગ્રુપ જી – ૨૦ નું પ્રતિનિધિત્વના યજમાન પદેથી ઇતિહાસમાં સૌ પ્રથમ વાર નાગરિકોને સહભાગી બનાવીને એક અનોખુ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.જેનો લાભ ગુજરાતને વિવિધ ક્ષેત્રના વિકાસને મળ્યો છે. ભરૂચ જિલ્લાના વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે,ઔદ્યોગિક ક્ષેત્રમાં ભરૂચના અંક્લેશ્વર મોકાનું સ્થાન ધરાવે છે.જિલ્લામાં ૧૧ ઇન્ડસ્ટ્રીલ એસ્ટેટ આવેલા છે. જેના થકી હજારો લોકોને રોજગારી આપવામાં આવી હતી.અહીંની સુગરમિલ આખા ભારતને સુગર નો નોંધપાત્ર જથ્થો પૂરો પાડે છે જે જિલ્લા માટે ગર્વની બાબત ગણાવી હતી.કૃષિ ક્ષેત્ર ને જિલ્લામાં ભાડભૂત બેરેજ યોજના ટુંક સમયમાં પૂર્ણ થશે ત્યારે પીવાની પાણીની સમસ્યા જિલ્લાના નાગરિકો માટે ભૂતકાળ બનવાની છે.તેમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લાના ભવ્ય ભૂતકાળને યાદ કરતાં શ્રી સુમેરાએ જણાવ્યું હતું કે,આઝાદીના સૌ પ્રથમ ૧૮૫૭ના વિપ્લવમાં પણ જિલ્લાનાં વાગરા,જંબુસર ,મહાલ તથા આમોદ વિસ્તારોનાં ૪૧૦ ગામોમાંથી અંગ્રેજી હકુમતે ૪૫ હજારથી વધુ શસ્ત્રો જપ્ત કર્યા હતા.ત્યારબાર ઈ.સ ૧૯૦૫માં ક.મા.મુનશીએ બંગભંગની સ્વદેશી ચળવળ ચલાવી હતી.આઝાદીની હોમરૂલ લિગ ચળવળમાં લોકમાન્ય ટિળક ભરૂચ રોકાયા હતા.આ ઉપરાંત મહાત્મા ગાંધીની બ્રિટીશ સ્લતનતના પાયામાં લૂણો લગાડનારી દાંડીકુચમાં ભરૂચે આપેલ પાણીને તથા ડૉ .ચંદુભાઈ સ્થાપિત સેવાશ્રમમાં રોકાયા હતા તે વેળાને પણ યાદ કરવોનો આ અવસર ગણાવ્યો હતો.જિલ્લાને જેને કર્મભૂમિ બનાવી એવા પંડિત ઓમકારનાથના શાસ્ત્રીય સંગીતને કારણે વિશ્વ ફલક પર ભરૂચને નામના મળી તે બદલ તેમને આ વેળાએ યાદ કર્યા હતા.
સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ વાર મેકોલેની શિક્ષણ પ્રથા નાબુદ કરીને તથા ગુલામી કાળમાં બનાવેલ અંગ્રેજ સરકારના કાયદાઓને દૂર કરીને નવા સુરક્ષા સંહીતા તથા ન્યાય સંહીતા જેવા કાયદા અમલમાં મૂકવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. આ વેળા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ વિશ્વશાંતીના કવિ ઉમાશંકર જોષીની પંક્તિઓને યાદ કરી હતી.
દેશ આઝાદ થતાં થઈ ગયો તે શું કર્યુ ?
દેશ આઝાદ થતાં થઈ ગયો આપણે શું કર્યું ? આમ, ઉપરોક્ત પંક્તિને યાદ કરીને આઝાદીના ૭૭માં પર્વ નિમિત્તે ભવ્ય થી ભવ્ય ભરૂચ બનાવાનો નારો જિલ્લાના નાગરિકોને જિલ્લા સમાહર્તાએ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં નોધપાત્ર સિધ્ધી મેળનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તથા સ્વતંત્ર પર્વના આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.તેમની કૃત્તિને ક્રમાંક આપીને માહાનુભાવોના હસ્તે પારિતોષિક એનાયત કરાયો હતો.આ વેળાએ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જુથ તથા આત્મા પ્રોજેકટ અને આરોગ્ય શાખાના સ્ટોલનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ વેળાએ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ,જિલ્લા અગ્રણી શ્રી મારૂતીસિંહ અટોદરિયા ,ધારાસભ્ય સર્વ શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી અરૂણસિંહ રણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી,શ્રી રિતેશ વસાવા, જિલ્લા વિકાસ અધિકારશ્રી પી આર જોષી,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા,અધિક નિવાસી કલેકટરશ્રી એન.આર.ધાધલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ , શાળાના વિદ્યાર્થીઓ, જિલ્લાના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.-૦-૦-૦-