– અત્યાર સુધી 1800 દીકરીઓના ₹1000 જમા કરી ખાતા ખોલાવાયા
– પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિન સુધીમાં 7272 ગરીબ દીકરીના ખાતા ખોલાવવાની નેમ
ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતાપિતા અથવા બે માંથી એક ગુમાવનાર અને આર્થિક રીતે પછાત જેની ઉંમર 10 વર્ષથી ઓછી છે, એવી 500 બાળકીઓના ખાતામાં આજે ગુરૂવારે ₹1000-1000 ડિપોઝીટ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધી 1800 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે.
વધુ 500 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલવા માટે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના અથાગ પ્રયાસો થી તેઓ દ્વારા એકત્ર કરાયેલ ₹5,00,001/- ની રકમનો ચેક ભરૂચ જિલ્લાની સામાજિક કાર્યોમાં અગ્રણી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રને સુપ્રત કરાયો હતો. જેમાં 10 વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ, કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ, આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેવી બાળકીઓ આવરી લેવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવવા માટે આયોજનબદ્ધ રીતે અત્યાર સુધી જિલ્લા ભાજપ દ્વારા કામગીરી ચાલી રહી છે. ગરિબ પરિવારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ દીકરી મોટી થાય અને તેના ભણતર તેમજ લગ્ન પ્રસંગમાં આર્થિક ભારણ ન આવે એવા શુભઆશયથી ભાજપાના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા લેવાયેલ સંકલ્પ થકી આ યોજનાનો લાભ 10 વર્ષની નીચેની ઉંમરની 1800 બાળકીઓને હાલ તો આપવામાં આવ્યો છે.
વર્ષ 2022 માં 17 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 72 માં જન્મદિવસ સુધી વધુ વધુમાં 7272 જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રસાયો ભરૂચ જિલ્લા ભાજપ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે ભાજપાના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, મંત્રી નિશાંત મોદી, દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા મહિલા પ્રમુખ કામિનીબેન પંચાલ, અસ્મિતા વિકાસ કેન્દ્રના ટ્રસ્ટી સમીર પટેલ, યશવંત પટેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.