
વાલિયા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ગામના ચાર રસ્તા પાસેથી ભેંસો ભરેલી ટ્રક પકડી પાડી 20 પશુઓને મુક્ત કરાવ્યા હતા. ઉપરાંત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.વાલિયા પોલીસ મથકનો સ્ટાફ ગઈકાલે સોમવારે રાતે ગામના ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન ટ્રક નંબર-જી.જે.24.વી.4682 આવતાં પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકની તપાસ કરતા તાડપત્રી અને લાકડાના પાટિયા હટાવી જોતા તેમાં ક્રૂરતાપૂર્વક ઘાસચારા અને પાણીની સગવડ નહિ કરી પશુઓ બાંધ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ટ્રકના ચાલકને પશુઓ અંગે પુછપરછ કરતા તેમને મહારાષ્ટ્રના ધુલીયા માર્કેટ ખાતે લઇ જવાતા હોવાનું જણાવ્યું હતું.પોલીસે ટ્રકને કબ્જે કરી 20 ભેંસોને મુક્ત કરાવી હતી અને ચાર લાખના પશુઓ અને ટ્રક મળી કુલ રૂ. 14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ભરૂચ તાલુકાના પરીએજ ગામના કોવાડી સ્ટ્રિટ ફળિયામાં રહેતો ટ્રક ચાલક મુસ્તાક મુસા ઇબ્રાહિમ વોહરા પટેલ અને ક્લિનર યામીન ફારૂક મુસા વોહરા પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.