ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં અકસ્માતની ત્રણ ઘટનામાં કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્રથમ ઘટનામાં ભરૂચથી દહેજ જતાં ટેન્કર ચાલકે બાઇક સવાર બેને ટક્કર મારતાં સાઇડ પર ઉભેલાં શખ્સને અડફેટે લઇ ટેન્કર પલટી જતાં મહિલા, ટેન્કર ચાલક સહિત ત્રણના મોત નીપજ્યાં હતાં. બીજા બનાવમાં અંકલેશ્વરમાં સુરતથી બહેનના ઘરે આવેલ ભાઈ અને પત્નીને અકસ્માત નડતાં પત્નીનું મોત નિપજ્યું હતું. ત્રીજી ઘટનામાં ઝઘડીયાના પાણેથામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહનની અડફેટે ચાર યુવાનોને ગંભીર ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે ખસેડ્યા હતા.
ભરૂચથી એક ટેન્કર સવારે 8.30થી 9 વાગ્યાના અરસામાં દહેજ તરફ જઇ રહ્યું હતું. દરમિયાન ટેન્કરનો ચાલક જિતેન્દ્રસિંગ સુરેન્દ્રકુમાર સિંગે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં એક બાઇક પર સવાર પ્રવિણકુમાર ચંદેસર મંડલ(રહે. રતનસારા, બિહાર) અને તેમની પાછળ બેસેલી નંદુબેન કાલીદાસ વસાવા (રહે. આમદડા, ભરૂચ)ને ટક્કર મારતાં બન્ને ફંગોળાયાં હતાં. બેકાબુ ટેન્કરે રોડની સાઇડમાં ઉભેલાં નવેઠા ગામના દિલીપ લાલાભાઇ વસાવાને પણ ટક્કર મારી રોડ સાઇડમાં પલટી ગયું હતું. જેમાં ટેન્કરનો કાચ તુટી જતાં ડ્રાઇવર બહાર ફેકાઇ ટેન્કર નીચે દબાઇ ગયો હતો. ઘટનામાં બાઇક સવાર મહિલા, ટેન્કર ચાલક તેમજ બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે દિલીપ વસાવાને સારવાર માટે ભરૂચ સિવિલમાં ખસેડ્યો હતો. જેમાં ભરૂચ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી.
સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહેતા નરેશ સોમાભાઈ સોલંકી બાઈક પર પત્ની જ્યોત્સનાબેન સાથે અંકલેશ્વર જીઆઇડીસીમાં સુફલામ સોસાયટીમાં રહેતા બહેન પિંકીને મળવા આવ્યા હતા. તેેઓ વાલિયા તરફ જવાના માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન માનવ મંદિર સામે પાછળથી આવતી ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પત્ની જ્યોત્સનાબેનને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે નરેશ સોલંકીને ગંભીર ઈજા પહોંચી હતી.
ઝઘડીયા તાલુકાના પાણેથા અશા રોડ પર એક ફોર વ્હિલ ગાડીની અડફેટે ચાર જેટલા ઇસમો જખ્મી થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉમલ્લા દવાખાને લઇ જવાયા હતા. મળતી વિગતો મુજબ રવિવારે રાતના આઠ વાગ્યાના સમયે અશા પાણેથા માર્ગ પર કેટલાક રાહદારીઓ પસાર થઈ રહ્યાં હતાં. દરમિયાન એક ફોર વ્હિલ ગાડીએ ચારે રાહદારીઓને અડફેટમાં લીધા હતા. સર્જાયેલા અકસ્માતમાં ગોવિંદભાઇ વણઝારા, મિતેષ વણઝારા, સરદાર દલાજી વણઝારા તેમજ જતીન વણઝારા નામના યુવાનોને શરીર પર ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તો પૈકી કેટલાકને માથાના ભાગે , કેટલાકને ખભાના ભાગે તેમજ હાથ પગ ઉપર ફેકચર થતાં તેઓ ગંભીર રીતે ધવાયા હતા.અકસ્માત બાદ કારનો ચાલક તેનું વાહન ઘટના સ્થળે મુકીને નાશી છુટ્યો હતો. અકસ્માત બાબતે ગોવિંદભાઇ ભીખાભાઇ વણઝારા રહે.ગામ પાણેથા તા.ઝઘડીયાએ ઉમલ્લા પોલીસ મથકે અકસ્માત કરી નાશી જનાર વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લામાં 3 અકસ્માતમાં 4 મોત, છ ગંભીર, ભરૂચ, અંકલેશ્વર -ઝઘડિયામાં અકસ્માતોની વણઝાર
Views: 70
Read Time:4 Minute, 12 Second