પત્રકાર એકતા સંગઠનના સમસ્ત ગુજરાતના વિવિધ ઝોનમાં ઉપસ્થિત ડેલીગેશન સાથે સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલને ગત દિવસોમાં વિવિધ માંગણીઓ જેવી કે માહિતી ખાતામાં નાના અને મધ્યમ અખબારોને જાહેરખબરો સંદર્ભે પડતી તકલીફો અને એક્રેડિટેશન કાર્ડ અંગે સચોટ રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત પત્રકાર એકતા સંગઠનના ડેલીગેશનને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટિલે ટૂંક સમયમાં આ અંગે યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી હતી અને મુખ્યમંત્રીશ્રી સાથે યોગ્ય પરામર્શ કરીને માત્ર એક જ મહિનાની અંદર અસરકારક પરિણામ આપ્યા છે. માહિતી ખાતા દ્વારા આજરોજ અખબારોની જાહેરખબરોની પેન્ડીંગ ફાઈલ તેમજ એક્રેડિટેશન અંગેની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં નાના અને મધ્યમ અખબારોને જાહેરખબર તથા એક્રેડિટેશન કાર્ડ અંગેની મોટાભાગની ફાઈલો મંજૂર કરવામાં આવી છે.
આવનારા સમયમાં આપણા ડેલીગેશન દ્વારા કરવામાં આવેલ રજૂઆતો પૈકી બાકી રહેલા પ્રશ્નો બાબતે પણ યોગ્ય સમયમર્યાદામાં ટોચઅગ્રતા સાથે સંતોષકારક નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. પત્રકારોની એકતા અને સંગઠનની તાકાતનું આ એક અણધાર્યું પરિણામ આપણને માત્ર ટૂંકાગાળમાં પ્રાપ્ત થયું છે જે માટે સમસ્ત પત્રકાર એકતા સંગઠનના તમામ પ્રદેશ આગેવાનો, ઝોનના પદાધિકારીઓ તથા જિલ્લા-તાલુકાની કારોબારી અને તમામ સભ્યોને આભારી છે.