ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં બે યુવાનોના મોત નિપજ્યાં હતા. આ બન્ને અક્સમાતની ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભરૂચના ત્રાલસા ગામના ડેરા ફળિયામાં રહેતો 34 વર્ષીય પ્રિયેશ નટવર વાળંદ ગતરોજ પોતાની બાઇક લઈ ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા ચિશ્તીયા-શિફા પાર્ક સોસાયટી સામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કરના ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી. જેથી તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત અન્ય ઘટના જોઈએ તો મૂળ કારેલી અને હાલ જંબુસર તાલુકાનાં ઉચ્છડ ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા 34 વર્ષીય રમેશ જયંતિભાઈ પઢિયાર ગતરોજ બપોરે પોતાની બાઇક લઈ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા ટેમ્પો ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રમેશ પઢિયારને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે વેડચ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.